________________
જવા દીધા... આ સ્થાને બીજો કોઇ હોત તો બે તમાચા જ માર્યા હોત. પણ પૂજ્ય પાસે કરાય ? વળી મને એમ પણ થયું : કદાચ આવો રિવાજ પણ હોય ! કોને ખબર ?”
...ને મેં મારા પતિદેવને મારા બંને પગ બતાવ્યા. જેમાં એક પગે ઝાંઝર હોતું.
“અત્યારે તું સૂઈ જા. સવારે બધું યોગ્ય થઇ પડશે.” હું હવે શાંતિથી સૂઇ ગઇ.
બસ... મારે જે યોજના બનાવવાની હતી, બનાવી લીધી હતી. હવે હું નિશ્ચિત હતી.
સવારે સસરાએ ધારણા પ્રમાણે જ કર્યું. મારા પર બદચલનના આક્ષેપો થયા, પણ મારે કશું બોલવાનું હતું જ નહિ. મેં મારા પતિદેવને બરાબર સાધી લીધા હતા. મારા પતિ તો તેમના પર બરાબર વરસી પડ્યા: “તમારામાં કંઇ અક્કલ-બક્કલ છે કે નહિ ? આ રીતે પાસે અવાય ખરૂં? કે સાઠે બુદ્ધિ નાસી ? તમે કહો છો કે એ માણસ કોઈ બીજો હતો, પણ એ બીજો કોઇ નહિ, હું પોતે જ હતો. તમારી બુદ્ધિ ભ્રમિત થઇ ગઇ લાગે છે. આવી સતી સ્ત્રી પર આક્ષેપ કરતાં પહેલાં વિચાર કરજો. નહિ તો બોલવા જીભ નહિ મળે.”
પણ એમ કાંઇ સસરા તંત છોડે એમ થોડા હતા ? અને ખરેખર એ સાચા હતા એટલે ખોટી વાત સ્વીકારે પણ શાના ?
હવે હું પણ બરાબર ગેલમાં આવી ગઈ. પતિ મારા પક્ષે હતા ને? મેં સતીનો ડોળ કરીને મોટેથી કહેવા માંડ્યું : “આવા આક્ષેપો હું સહન કરી શકું નહિ. આવા આક્ષેપો સાથે જીવવું એના કરતાં મરી જવું સારું ! આ ગામમાં પ્રભાવશાળી યક્ષ છે. એની સામે હું મારા સતીત્વની સાબિતી આપીશ.”
ને હું મોટા ઉપાડે યક્ષના મંદિર તરફ ચાલી. આખા નગરમાં આ વાતની ખબર પડી. સામાન્ય રીતે આવા સમાચારો તરત જ ફેલાઇ જતા હોય છે. એમાં કોઇ પ્રચાર માધ્યમની જરૂર પડતી નથી. અનેક માણસો આ તમાશો જોવા આવી ચડ્યા.
આત્મ કથાઓ • ૩૧૬
માણસોના ટોળા સાથે હું યક્ષના મંદિરે જઇ રહી હતી અને રસ્તામાં પેલો યાર પૂર્વસંકેત મુજબ ગાંડાનું રૂપ લઇને મને વળગી પડ્યો. લોકોએ તેને દૂર હટાવ્યો.
આખરે હું યક્ષના મંદિરે પહોંચી. પાપી માણસ યક્ષના પગમાંથી નીકળી શકતો નહિ - એવો યક્ષનો પ્રભાવ હતો.
મેં હાથ જોડીને યક્ષને કહ્યું : હે પ્રગટપ્રભાવી ! યક્ષરાજ ! આપનો પ્રભાવ તો દશે દિશામાં જાણીતો છે. હું મારું સતીત્વ સરાણે ચડાવવા અહીં આવી છું. મારા કર્મનો જ દોષ છે કે મારા જેવી મહાસતી પર પણ આવા અજુગતા આક્ષેપ થાય છે. હું બીજા કોઈને દોષ નથી આપતી. ઓ દયામય દેવ ! જો મેં મારા પતિદેવ અને રસ્તામાં વળગેલો પેલો ગાંડો માણસ - એ બેને છોડીને બીજા કોઇનો સ્પર્શ કર્યો હોય તો મને જરૂર શિક્ષા કરજો.”
...અને તરત જ હું યક્ષના પગમાંથી નીકળી ગઇ. કદાચ યક્ષ પણ વિચારમાં પડી ગયો હશે : આ બાઇ બોલે તો સાચું જ છે... અને છતાં ખોટું છે. તો શું કરવું ? શિક્ષા આપું કે નહિ ?
યક્ષ વિચાર કરતો રહ્યો ને મેં ઝડપથી મારું કામ પતાવી દીધું. લોકોએ મારા નામનો જય-જયકાર કર્યો. “મહાસતી નૂપુરપંડિતાનો જય હો.” “ભગવતી નૂપુરપંડિતાના અસીમ જય-જયકાર હો'ના નારાઓ આકાશમાં ગુંજવા લાગ્યા.
આમ તો મારું નામ દુર્મિલા હતું. પણ ત્યારથી હું ‘નૂપુરપંડિતા’ તરીકે પ્રસિદ્ધ થઈ. મારા સસરાને લડાઇમાં બરાબર જીતી લીધા. આથી એમની તો ઊંઘ જ હરામ થઇ ગઇ.
પરકાય - પ્રવેશ • ૩૧૭