________________
ફરી પડ્યું, ફરી લુછયું. આમ ત્રણ વાર થયું ત્યારે મેં વિચાર્યું : મહારાણીના સાથળમાં ચોક્કસ આવું કોઇ લાંછન હશે. તો હવે એ ભલે રહ્યું. થોડીવારમાં મહારાણીનું આબેહુબ ચિત્ર તૈયાર થઇ ગયું. મને એમ કે આ ચિત્ર જોઇ રાજા મારા પર ખુશખુશાલ થઇ જશે. મને તે વખતે કલ્પના પણ નહોતી કે આ ચિત્ર દ્વારા રાજાને ગેરસમજ ઊભી થશે ને હું નાહક પરેશાન થઇશ. ભલું કરતાં ભૂંડું થશે એવી કલ્પના તો કોને હોય ?
થોડી જ વારમાં મહારાજા શતાનીક પધાર્યા. રાણીનું ચિત્ર જોતાં જ તેમનો ચહેરો લાલચોળ બની ગયો. એમના ચહેરા પરથી હું એમના મનના ભાવો વાંચી રહ્યો હતો : આ હરામખોર ચિત્રકારે મારી રાણીને ભ્રષ્ટ કરી લાગે છે. નહિ તો વસ્ત્રની અંદર રહેલા સાથળનું ચિહ્ન એ શી રીતે જાણી શકે ? આ ચિત્રકાર આવો પાક્યો ? એને બરાબર મેથીપાક ચખાડવો પડશે.
અને થોડી જ મિનિટોમાં મારા હાથે-પગે બેડીઓ પડી. રાજાના માણસોએ મને મુશ્કેટાટ બાંધ્યો.
મારા પર આવેલી વિપત્તિથી ચોંકી ઊઠેલા મારા સાથી ચિત્રકારોએ રાજાને વિનંતી કરી : “રાજન ! આ ચિત્રકારને યક્ષનું વરદાન મળેલું છે. એટલે એ કોઇ વ્યક્તિ કે વસ્તુના અમુક ભાગને જોઇને પણ આખું ચિત્ર બનાવી શકે છે. રાણીના ચિત્રમાં એનો કોઇ જ દોષ નથી. મહેરબાની કરીને એના પર કોઇ શંકા કરશો નહિ કે કોઇ સજા કરશો નહિ. એ તદ્દન નિર્દોષ છે. અમારા વચનની ખાતરી આપને ન થતી હોય તો પરીક્ષા કરી શકો છો.
રાજાએ મારી પરીક્ષા કરવા એક કુબડી દાસીનું મુખ બતાવ્યું. મેં તેના આધારે પૂરૂં ચિત્ર દોરી આપ્યું. આથી રાજાની શંકા તો દૂર થઇ ગઇ, પણ અંદર ઇર્ષ્યા રહી ગઇ. આથી જ રાજાએ મારા જમણા હાથનો અંગૂઠો કપાવી નાખ્યો. મેં પેલા યક્ષ પાસે જઇ તપથી તેને પ્રસન્ન કરી ડાબા હાથે પણ તેવું જ ચિત્ર દોરવાનું વરદાન મેળવી લીધું. છતાં હું અંદરથી છંછેડાઇ ઊઠ્યો હતો : રાજાને આટલી ખાતરી કરી બતાવી
આત્મ કથાઓ • ૨૭૪
છતાં આટલી કિન્નાખોરી ? મારો એવો કયો ગુનો ? કલામાં નિષ્ણાત થયો, યક્ષનું વરદાન મળ્યું, એ જ મારો ગુનો ? ભલે આજે રાજાએ મને સજા કરી, પણ હું હવે છોડવાનો નથી. ભલે એ રાજા રહ્યો અને હું ચિત્રકાર રહ્યો, પણ તેથી શું થયું? નાનો મચ્છર મોટા હાથીને પરેશાન નથી કરી શકતો ? નાનું છિદ્ર મોટા વહાણને ડૂબાડી નથી શકતું? નાનો કાંટો મોટા માણસને બેસાડી નથી દેતો ? નાનો કણ આંખને બંધ કરી નથી દેતો? ગમે તે થાય પણ હું બદલો લેવાનો, લેવાનો ને લેવાનો જ ! હું અંદર ને અંદર સમસમી રહ્યો.
અપમાનની આગ કેટલી ભયંકર છે ? સાકેતનગરના તમામ માણસોનું ભલું કરવાની ઇચ્છાવાળો અને ભલું કરનારો હું કોઇ મારું ભૂંડું કરે એ સહન કરી શક્યો નહિ. સાચે જ બીજાનું ભલું કરવું સહેલું છે, પણ બીજા તરફથી થતું ભૂંડું સહન કરવું મુશ્કેલ છે. બીજાનું ભલું કરવામાં અહં પોષાય છે. જ્યારે અપમાનમાં અહં ઘવાય છે. અહં ઘવાય ત્યારે સહન કરવું ઘણું મુશ્કેલ છે. એના માટે અહં રહિતતાની સાધના જોઇએ. મેં ચિત્ર-કળાની સાધના તો કરી હતી, પણ અહં શૂન્યતાની સાધના હોતી કરી. ચિત્રકળા મેં હસ્તગત કરી હતી, પણ ધર્મ-કળા મારાથી હજુ દૂર હતી.
શતાનીકને પછાડવા મેં મનોમન યોજના બનાવી : હં... એક ઉપાય છે. અત્યારે પૂરા ભારતમાં ઉજ્જૈનનો ચંડપ્રદ્યોત રાજા કામી છે. જે જે સારી રૂપાળી સ્ત્રીઓ એના ધ્યાનમાં આવે છે તે બધી ગમે ત્યાંથી ઉઠાવી લાવીને અંતઃપુરમાં ભરતો જાય છે. જો હું મૃગાવતીનું ચિત્ર તેને બતાવું તો જરૂર તે લલચાશે. પછી મારે કશું નહિ કરવું પડે. મારે માત્ર તમાશો જોઇને રાજી થવાનું રહેશે.
જે ચિત્રકળાથી યક્ષને પ્રસન્ન કરીને મેં આખી નગરીને બચાવી હતી, તે જ ચિત્રકળાથી આજે હું મારી નગરીને, મારી નગરીના રાજાને તારાજ કરવા તૈયાર થયો હતો. કોઇ પણ મળેલી વિશિષ્ટ શક્તિ બેધારી તલવાર છે. એનો સદુપયોગ પણ થઇ શકે અને દુરુપયોગ પણ. શક્તિ તો કોરો કાગળ છે. એના પર સુંદર ચિત્ર પણ બનાવી શકાય ને કાળો રંગ પણ
પરકાય - પ્રવેશ • ૨૭૫