________________
આટલું બોલતાં રાજા રડી પડ્યા.
હવે હું રાજાને, મારા પતિને શું કહું ? ઘણું બોલી. ઘણું રડી. ઘણો વિલાપ કર્યો... પણ મારા વિલાપથી કાંઇ મારા ભાઇ મહારાજ પાછા આવવાના હતા ?
મેં મારા ભાઇ મહારાજને મારનારા મારાઓને બોલાવ્યા. મારે એ જાણવું હતું કે અંતિમ વખતે તેઓ શું બોલેલા ? તેમની કેવી અવસ્થા હતી ? વગેરે જાણવાની મારી ખૂબ જ ઇચ્છા હતી.
તે મારાઓએ આવીને કહ્યું :
રાણીબા ! આજ સુધી રાજાની આજ્ઞાથી અમે ઘણાને માર્યા છે, પણ આવો માણસ અમારી જિંદગીમાં કદી જોયો નથી. શું અપાર સમતા ! શું અદ્ભુત સહનશીલતા ! શું ધૈર્ય ! એમનું મુખ જોતાં જ એમ થઇ જાય કે આવા મુનિની આપણે હત્યા કરવાની ? ધિક્કાર છે આપણી નોકરીને ! જ્યાં આવા અધમ કામ કરવા પડે. અમે એમની પાસે જઇને કહ્યું: “મહારાજ ! સીધા ઊભા રહો. તમારી ચામડી અમારે ઉતરડવાની છે. અમારા રાજાની એવી આશા છે.” અમને એમ કે હમણાં જ મહારાજ વિફરશે, શાપ આપશે, ક્રોધથી આંધળાભીંત બનશે, ભાગવા પ્રયત્ન કરશે. પણ એમ અમે ભાગવા નહિ દઇએ. એમના શાપથી કે ગુસ્સાથી ડરીશું નહિ. પણ આ તો અમારી ધારણાથી સાવ જુદું જ નીકળ્યું. એમણે તો અમારી વાત સ્વીકારી જ લીધી. અમે એમને જીતવા માંગતા હતા, હરાવવા માંગતા હતા, ઝુકાવવા માંગતા હતા. પણ તમે, જે સ્વયં હારી જાય તેને શી રીતે જીતી શકો ? જે સ્વયં ઝુકી જાય તેને શી રીતે ઝુકાવી શકો ? જે સ્વયં દુઃખનો સ્વીકાર કરી લે એને શી રીતે દુઃખી બનાવી શકો ? અસંભવ ! દુઃખનો જન્મ અસ્વીકારની ભાવનામાંથી પેદા થાય છે, આ મહાસત્ય અમને પહેલીવાર સમજાયું, એમણે તો સામે ચડીને કહ્યું : જુઓ, મારા શરીરમાં માંસ-લોહી ખાસ છે નહિ. મારી ચામડી લગભગ હાડકા સાથે ચોંટી ગઇ છે, માટે તમને બહુ તકલીફ પડશે. તમને જેમ સુખ ઉપજે એમ ઉતરડજો. કાંઇ તકલીફ પડે તો કહેજો. હું તમને સુવિધા રહે તેમ ઊભો રહીશ.” અમને તો શરૂઆતમાં આ માત્ર
આત્મ કથાઓ • ૨૬૬
વાણી-વિલાસ લાગ્યો : આવું તે કાંઇ હોતું હશે ? કોઇ ચામડી ઉતરડતું હોય ત્યારે શાંતિથી રહેવાય જ શી રીતે ? આ તો હમણાં બોલે છે. આપણે ચામડી ચીરશું ત્યારે ‘હાય મા ! હાય બાપા !' પોકારી ઊઠશે. પણ આશ્ચર્ય ! અમે ચામડી ઉતરડવાનું શરૂ કર્યું ત્યારથી માંડીને ઠેઠ છેલ્લે સુધી ઊંહકારો તો ન કર્યો, પરંતુ શરીર પણ સહેજે ન હલાવ્યું. ન કોઇ અંગો વિકૃત થયા. ન ચહેરાના કોઇ ભાવ બદલાયા ! એવી જ સમતા ઠેઠ સુધી રહી. એ અમારાથી દૂર... દૂર... કોઇ સમાધિના કુંડમાં ડૂબી ગયા હોય તેવું લાગતું હતું. પણ અમ હત્યારાઓને તો સમાધિની શું ખબર પડે ? અમારે તો કામ પતાવવાનું હતું. ઝટપટ કામ પતાવીને અમે આવી ગયા.”
મારાઓની આ વાત સાંભળી ભાઇ મહારાજની સમાધિ માટે માન થયું, પણ રાજાના કુકર્મ અને મારી ઉપેક્ષા પ્રત્યે ઘોર તિરસ્કાર જાગ્યો : અરેરે ! અમે કેવા કુકર્મી ! કોણ જાણે કયા ભવમાં અમારો વિસ્તાર થશે? એક તો કોઇ સાધના નહિ, કોઇ અનુષ્ઠાન નહિ, ને એમાંય વળી આવા મહાત્માની હત્યા ? કયા ભવમાં છુટીશું ?
મને અને મારા પતિને એટલો પશ્ચાત્તાપ થયો કે સંસારમાંથી રસ જ ઊડી ગયો. અમે બંનેએ સંયમ જીવન સ્વીકારવાનો નિર્ણય કર્યો. શુભ કાર્યમાં વિલંબ કેવો ? અમે તરત જ સંયમ સ્વીકારી જ લીધું. ઘોર તપશ્ચર્યા કરી, કર્મો ખપાવી અમે કેવળજ્ઞાની બન્યા. કેવળજ્ઞાનમાં અમે જોયું : અપાર સમતાથી સ્કંધક મુનિ તે જ વખતે કેવળજ્ઞાની બની મોક્ષ પધાર્યા હતા. પૂર્વના કોઇ જન્મમાં ચીભડાની અખંડ છાલ ઉતારીને ખૂબ જ પ્રશંસા કરેલી. તેના કારણે રાજા બનેલા ચીભડાના જીવે સ્કંધક મુનિની ચામડી ઉતરડાવેલી ! કરેલા કર્મો સાચે જ કોઇને ન છોડે. જ્ઞાનીઓ એટલે જ બાહ્ય નિમિત્તને દોષ ન આપતાં કર્મને... એથીયે આગળ વધીને કર્મ બાંધનાર રાગ-દ્વેષથી મલિન પોતાના આત્માને જ દોષ આપે છે. લાકડી વાગતાં કૂતરો લાકડીને બટકાં ભરે છે, પણ સિંહ લાકડી મારનાર માણસને પકડે છે. જ્ઞાની પુરુષો સિહવૃત્તિવાળા હોય છે. તેઓ બહારના કોઇ નિમિત્ત પર ગુસ્સે નથી થતા. નિમિત્ત તો લાકડી છે. લાકડી પર
પરકાય - પ્રવેશ • ૨૬૭