________________
કેદલીગૃહ બનાવી હું ત્યાં રહેવા લાગી. ફળ અને નિર્મળ જળની સુવિધા તો હતી જ. જળ અને ફળની વ્યવસ્થા તો જંગલમાં હજુયે મળી જાય, પણ મારે સૌ પ્રથમ આશ્રયની આવશ્યકતા હતી. માણસની પ્રથમ આવશ્યકતા “રોટી, કપડાં અને મકાનકહેવાય છે. માણસને સૌ પ્રથમ ખોરાક જોઇએ. પછી વસ્ત્ર અને ત્યાર પછી રહેવા મકાન જોઇએ. આ વિધાન પુરુષો માટે ઠીક હશે, પણ અમ સ્ત્રીઓ માટે આવશ્યકતાનો ક્રમ ઊલટો છે, જેના પર પુરુષોએ ભાગ્યે જ વિચાર કર્યો છે. સ્ત્રીઓને સૌ પ્રથમ આશ્રય જોઇએ, મકાન જોઇએ. ત્યાર પછી વસ્ત્ર અને છેલ્લે રોટી જોઇએ. પુરુષો માટે ‘રોટી, કપડાં અને મકાન’ ક્રમ ભલે રહ્યો, પણ સ્ત્રીઓ માટે “મકાન, કપડાં, રોટી' ક્રમ વધુ ફીટ બેસે !
મને કદલી-ગૃહ રૂપી મકાન મળી ગયું હતું. હું કંઇક નિશ્ચિત થઇને રહેવા લાગી. જંગલમાં સંપૂર્ણ નિશ્ચિતતા તો ક્યાંથી મળે ? આટલી મળી તે પણ મારા ભાગ્ય !
સાત દિવસ પછી મેં પુત્રને જન્મ આપ્યો. “રે પુત્ર ! જો તું થોડાક જ દિવસ પહેલાં જન્મ્યો હોત તો ? રાજકીય ઠાઠ સાથે તારો જન્મોત્સવ થાત. આજે જન્મોત્સવ તો શું ? કોઇ પ્રસૂતિકર્મ કરનાર પણ નથી. રે, નસીબ ! મારું હૃદય રડી ઊઠ્યું. હું ઘૂસકે ધ્રુસકે રડી પડી, પણ અહીં મારા રુદનને કોણ સાંભળે તેમ હતું ? હા, કદાચ જંગલમાં સિહ-વાઘ મારું રુદન સાંભળીને મને ખાવા આવી જાય ખરા ! “અરણ્ય-રુદન નિષ્ફળ હોય છે.” એવું સાંભળ્યું તો ઘણીવાર હતું, પણ અનુભવ્યું પહેલી વાર ! જંગલમાં રહીએ તો કોણ સાંભળે ? કોણ આવે ? કોણ આશ્વાસન આપે ? જો કોઇ આશ્વાસન આપનારું ન હોય તો રડવાનો અર્થ શો ? નાનું બાળક પણ આ વાત સમજતું હોય છે. કોઇની હાજરી હોય તો જ એ રડે છે. નહિ તો ચૂપ બેસી રહે છે ! હું નાના બાળક જેટલું પણ ન સમજું એટલી નાદાન હોતી. આથી તરત જ ચૂપ થઇ ગઇ.
બાળકના હાથમાં “યુગબાહુ’ નામવાળી વીંટી પહેરાવી, બાળકને કંબલમાં વીંટી એક વૃક્ષ નીચે રાખી હું સરોવરમાં વસ્ત્રાદિની શુદ્ધિ કરવા પહોંચી. જ્યાં હું સરોવરમાં થોડે અંદર ગઇ, ત્યાં જ એક જળહસ્તી
આત્મ કથાઓ • ૨૩૨
આવી પહોંચ્યો. હું ભાગવા પ્રયત્ન કરું એ પહેલાં જ એણે મને સુંઢમાં પકડી અને આકાશમાં અદ્ધર ઊછાળી.
રે કર્મ ! શું આટલા દુઃખ તને ઓછા લાગ્યા ? જેઠની કુર્દષ્ટિ ! જેઠ દ્વારા પતિનું ખૂન ! ગર્ભવતી અવસ્થામાં જંગલમાં ગમન ! જંગલમાં એકલા જ રહેવું ! એકલા જ પ્રસૂતિકર્મ કરવું ! દુઃખોની આ કેવી વણથંભી વણઝાર ?
આ દુઃખો ઓછા હતા તેમ જળહાથીએ આકાશમાં ઊછાળી ! ઊંચે આકાશ અને નીચે પાણી હતું ! બચવાની કોઇ જ શક્યતા હોતી. હું નવકારમાં લીન બની. મેં માની જ લીધું કે હવે મરવાનું જ છે ! પણ... રામ રાખે તેને કોણ ચાખે ?
મારા કોઇ પ્રબળ પુણ્યોદયે તે વખતે આકાશમાંથી કોઇ વિદ્યાધરનું વિમાન જઇ રહ્યું હતું. મને આકાશમાં ઊછળતી જોઇને તરત જ એમાંના વિદ્યાધરે મને બચાવી લીધી. મને વિમાનમાં મૂકીને એણે તો વિમાન હંકારી મૂક્યું. હું વિમાનમાં રડતી જ રહી. મારું માતૃહૃદય નવજાત બાળકની ચિંતા કરી રહ્યું હતું. શું થતું હશે ? શી રીતે જીવશે મારા વિના ? કોઇ રાની પ્રાણી ફાડી તો નહિ ખાય ને ?
વૈતાઢચ પર્વત પર લઇને તે વિદ્યાધરે મને રડવાનું કારણ પૂછ્યું : મેં બધી આપવીતી સંભળાવીને કહ્યું: ‘જંગલમાં રહેલા મારા એ પુત્રને તમે અહીં લઇ આવો અથવા મને તમે ત્યાં પહોંચાડો. મારા વિના નવજાત શિશુ મરી જશે અથવા જંગલી પશુઓ ફોલી ખાશે.”
જો તું મને પતિ તરીકે સ્વીકારે તો હું તારું કહ્યું બધું જ કરવા તૈયાર છું. હું કોણ છું ? તે તું જાણે છે ? વૈતાદ્ય પર્વતના રત્નાવહ નગરના રાજા મણિચૂડ વિદ્યાધરનો હું પુત્ર છું. મારું નામ મણિપ્રભ. મારા પિતાએ મને રાજ્ય સોંપી દીક્ષા લીધેલી છે. મારા પિતા મુનિ ગઇ કાલે નંદીશ્વર દ્વીપમાં યાત્રા કરવા ગયા છે. તેમને વંદન કરવા હું જતો હતો
પરકાય - પ્રવેશ • ૨૩૩