________________
પ્રકાશકીય
ખૂબ જ આનંદની વાત છે કે જૈનશાસનના પૂજનીય સાધુ-સાધ્વીજી ભગવંતો વૈદલ વિહાર કરીને, ગામોગામ વિચરીને પ્રજાને ધર્મમાર્ગે દોરી રહ્યા છે. અનેક કુટુંબોમાં અંધકારને ઉલેચીને પ્રકાશ ફેલાવી રહ્યા છે. પોતાના જીવનને વધુ ને વધુ ઉંચુ જીવવા દ્વારા અનેકોના અનાચારને ધ્રુજાવી દેવાની સખત મહેનત કરી રહ્યા છે.
પરંતુ બીજી બાજુ જમાનાવાદનું ઘોડાપૂર પણ પૂરજોશમાં વહી રહ્યું છે. નવી પેઢી ફેશન ને વ્યસનમાં મસ્ત છે. ટી.વી. અને વીડીયો પાછળ પોતાનો કિંમતી સમય બરબાદ કરે છે. અશ્લીલસાહિત્ય ને નવલકથાઓ દ્વારા મનમાં વિકૃતિઓનો ભંડાર ભરે છે. હોટલોનાં ખાણાં તેમની બુદ્ધિને ભ્રષ્ટ કરે છે. વાતોમાં નિંદા-ટીકા કે બિભત્સ પ્રકારની વિકૃતિઓ ઉભરાતી જણાય છે. સત્સંગ કે સત્સાહિત્યથી લાખો યોજન દૂર થવા લાગી છે. અને તેથી જ પૂજનીય સાધુ-સાધ્વીજી ભગવંતોને પણ કાર્ય ઘણું વિકટ જણાય છે.
નવી પેઢી પણ ધર્મ સન્મુખ બને; પ્રાચીન ઈતિહાસની જાણકાર બને, આચાર માર્ગ અપનાવવા લાગે, ધર્મથી પરિચિત બને, સત્સાહિત્ય વાચક બને, નિંદાવિકથામાંથી બહાર નીકળે તે દૃષ્ટિથી પૂ.પં. શ્રી ચન્દ્રશેખર વિ.મ.સા.ના શિષ્ય પૂ. મુનિશ્રી મેઘદર્શન વિ.મ. સાહેબ વડે કરાયેલી પ્રેરણાને ઝીલી લઈને તેમનાં સં. ૨૦૪૭ના સુરતના ચાતુર્માસમાં અખિલ ભારતીય સંસ્કૃતિ રક્ષક દળે તથા સં. ૨૦૪૮ના મંડપેશ્વરરોડ, બોરીવલીના ચોમાસામાં આદિનાથ જૈન ભક્તિ મંડળે જ્ઞાનવૃદ્ધિ અભિયાનનું આયોજન કર્યું હતું,
જેના અન્વયે ચાતુર્માસના ૧૬ રવિવારે પૂ. મેઘદર્શન વિ.મ. સાહેબે તૈયાર કરેલાં જુદા જુદા વિષયને આવરી લેતાં પ્રશ્નપત્રો બહાર પાડયા હતા. બંને ચોમાસામાં આ આયોજનથી ખૂબ જ લાભ થયો હતો.
ઘરમાં રહેલા ધાર્મિક પુસ્તકો ખુલવા લાગ્યા હતાં. ચોરે અને ચૌટે પેપરના પ્રશ્નો અને તેના જવાબોની જ ચર્ચા ચાલતી હતી. ટી.વી. વીડીયો તથા નવલકથાઓ દૂર મૂકાઈ જતા હતા. સતત ધર્મમયવાતોથી વાતાવરણ પલ્લવિત બનતું હતું.
દસદિવસની મુદત દરમ્યાન ઘરે બેસીને જવાબ લખવાના હોવાથી, અરસપરસ પૂછવાની છૂટ હોવાથી નિંદા-ટીકા તો ક્યાંય દૂર થઈહતી. વળી માત્ર જવાબો ન લખતાં, આખા વાક્યો ફરીથી સંપૂર્ણપણે લખવાના હોવાથી, કોઈને પૂછ્યું હોય તોય જાતે લખવાના કારણે પરીક્ષા આપનારના મનમા તેના સંસ્કાર તો પડતાં જ હતાં.