________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભવસાગર તારનારાં વ્રત આપો.’
‘હું તને વ્રત આપીશ, પરંતુ એ પૂર્વે હું તારા પિતાજીને સર્વ વૃત્તાંત જણાવીશ. પછી તને તાપસી–દીક્ષાનાં વ્રતોનું જ્ઞાન આપીશ... તું જો એ વ્રતો પાળવામાં શક્તિમાન હશે તો તને વ્રતો આપીશ.
અત્યારે હું તને આકાશમાર્ગે મારા આશ્રમપદમાં લઈ જાઉં છું. તને ત્યાં મૂકીને, હું ‘ગંધસમૃદ્ધિ’ નગરમાં જઈશ. જરૂર લાગશે તો તારા સાસરે વિલાસપુર પણ જઈ આવીશ.
તેઓએ મારા પતિના મૃતદેહને નંદનવન પાસેથી વહેતી સરયૂમાં પધરાવી દીધો, અને અમે વિમાનમાં બેસી આકાશમાર્ગે આ દ્વીપ પર આવ્યાં. મને આ દ્વીપ ઉપર એમના આશ્રમપદમાં મૂકી, તેઓ મારા પિતા પાસે ચાલ્યા ગયા.
મારા પિતાને અને મારા સસરાને, મારા પતિના આકસ્મિક મૃત્યુના સમાચાર આપ્યા અને મારા વૈરાગ્યની વાત કરી. હું તાપસી-દીક્ષા લેવા તત્પર બની છું, એ વાત કરી. માતા-પિતાએ, અને સસરાએ અનુમતિ આપી. દેવાનંદજી આકાશમાર્ગે પાછા આવ્યા. શુભ દિવસે, શુભ મુહૂર્તે મને તાપસી-દીક્ષા આપી. બસ, તે દિવસથી હું આ દ્વીપ ઉ૫૨ દેવાનંદજીના આશ્રમમાં રહું છું.
હે રાજકુમાર, આ મારો પરિચય છે. હવે, આ દ્વીપ પર બનેલી એક વિશિષ્ટ ઘટના મારે તને કહેવી છે. એનો તારી સાથે સંબંધ છે, એમ મને સમજાયું છે.
એક દિવસ સમુદ્રકિનારા પાસેના વનપ્રદેશમાં પુષ્પો અને બીજી પૂજનસામગ્રી લેવા ગઈ હતી. પુષ્પો ચૂંટતાં ચૂંટતાં મારી દૃષ્ટિ સમુદ્રકિનારાનાં પાણી પર પડી. પાણીમાં એક પાટિયા સાથે તરી રહેલી યુવતી-કન્યાને જોઈ. સૂર્યના કોમળ કિરણો એ કન્યાનાં ચંદ્રલેખા જેવી દેહકાન્તિને પ્રકાશિત કરતાં હતાં. હું પુષ્પોની છાબડી અને પૂજનસામગ્રી ત્યાં જ મૂકીને, દોડતી કિનારે પહોંચી. કિનારે બહુ પાણી ન હતું. હું પાણીમાં ઊતરી... પાટિયા ઉપર, પાટિયાને વળગીને પડેલી એ કન્યાને, પાટિયા સાથે બહાર ખેંચી લીધી, મારું પાણીનું કમંડળ મારી સાથે જ હતું. મેં કમંડળમાંથી પાણી કન્યાના મુખ પર છાંટ્યું... એના બે હોઠ પહોળા કરી, એના મોંમાં પાણી રેડ્યું... એને પાટિયા ઉપરથી નીચે ઉતારી... ધીરે ધીરે એની મૂર્છા દૂર થઈ. તેની આંખો ખૂલી. તે મારી સામે જોઈ રહી. મેં એના માથે હાથ ફેરવતાં કહ્યું : ‘વત્સે, તું ભય ના પામીશ. હું તાપસી છું. તું મારા શરણે છે.' તેણે ઊભી થઈ મને પ્રણામ કર્યાં. પછી તે ત્યાં જ રેતી પર બેસી ગઈ... અને સમુદ્ર તરફ ઉદાસ આંખોથી જોઈ રહી. મેં એને કહ્યું : ‘તું અહીં જ બેસજે. હું હમણાં જ તારા માટે ફળો લઈ આવું છું અને કમંડળ ભરીને પાણી લઈ આવું છું.’ મેં એને કહ્યું તો ખરું પણ પછી મને વિચાર આવ્યો કે ‘દુખિયારી આ કન્યાને એકલી મૂકવી ના જોઈએ.’ એટલે મેં એને મારી સાથે જ લીધી. ધીરે ધીરે ચાલતાં અમે બંને ઉપવનમાં આવ્યાં. એક આમ્રવૃક્ષ નીચે તેને બેસાડી, હું કેળાં અને
શ્રી સમરાદિત્ય મહાકથા
૭૩૧
For Private And Personal Use Only