________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તને તારી માતાની વાત યોગ્ય અને ઉચિત લાગી. રાજાને કે રાજપુરુષોને ખબર ના પડે, એ રીતે એ ખજાનો ઘર ભેગો કરી લેવાની વાત, તારા ગળે ઊતરી ગઈ. શ્રીદેવીના મનનું કપટ તે જાણી શક્યો નહીં.
શ્રીદેવીએ વિચાર્યું : “આ નિધાન સામાન્ય નથી. એમાં લાખો સોનામહોરો છે. શા માટે હું એકલી જ એ નિધાનની માલિક ના બનું? જો સમુદ્રદત્ત એ નિધાન લઈ આવશે તો એ એનો માલિક બનશે. એની પત્ની નંદિની માલિક બનશે... મને કંઈ નહીં મળે. વળી, અત્યારે ભલે સમુદ્રદત્ત માતૃભક્ત છે, પરંતુ નિધાન મળ્યા પછી એ મોટો ધનવાન બની જશે.. પછી કદાચ એ મને ઘરમાંથી કાઢી પણ મૂકે. માટે ખજાનો, ગમે તે રીતે હું મારો કરી લઉ....
પરંતુ હું એ ખજાનો પુત્રથી છુપો ક્યાં રાખીશ? અને હું એને લઈ આવું. છૂપાવી પણ રાખ્યું પછી જ્યારે એ ખજાનો લેવા જશે... ને ખજાનો નહીં મળે ત્યારે એને મારા ઉપર જ શંકા થવાની.. કારણ કે મારા સિવાય કોઈને એણે ખજાનો દેખાડવો નથી. એ ખજાનો મેળવવા મારી સાથે ઝઘડો કરશે. એની પત્નીને ખબર પડે તો, એ પણ મારી સાથે ઝઘડો કરે. કદાચ અડધી રાતે મારું ગળું દાબી દઈ મને કોઈ ખાડામાં દાટી દઈ... એ ખજાન મેળવી લે.
એ મને મારે, એ પહેલાં હું જ સમુદ્રદત્તને મારી નાખું તો? હા, જો ખજાનો જોઈતો હોય તો આવું કામ કરવું પડે... ત્યાં પછી પાપ-પુણ્યનો વિચાર ના કરાય..
પરંતુ એને મારવો કેવી રીતે? બળથી હું એને ના મારી શકું. એ ઘણું બળવાન છે. નંદિનીને ગંધ ના આવે એ રીતે મારે એનું કાસળ કાઢી નાંખવું જોઈએ. કોઈ સારો ઉપાય શોધવો પડશે.' આ રીતે તારી માતા, તને મારી નાંખવાના ઉપાયો વિચારતી હતી. તેની આકુળતા-વ્યાકુળતા વધતી ચાલી.
બધાં સુખો હતાં એની પાસે, પરંતુ તે દુઃખથી જીવવા લાગી. જે સુખ તેની પાસે ન હતું, તે ખજાનાનું સુખ મેળવવા માટે તે વલખાં મારવા લાગી.
તું તો થોડા દિવસો પછી, એ ખજાનાને જ ભૂલી ગયો! તું તારી ધર્મઆરાધનામાં અને વેપાર-વ્યવસાયમાં વ્યસ્ત રહેવા લાગ્યો. તારી પત્ની નંદિની તને પૂર્ણ સમર્પિત હતી, એટલે વૈષયિક સુખો પણ ભરપૂર ભોગવતો હતો, છતાં અષ્ટમી-ચતુર્દશીના દિવસોમાં તું પૌષધ-ઉપવાસ કરતો હતો. તારી હવેલીના જ એક ભાગમાં તેં પૌષધશાળા બનાવી હતી. એ પૌષધશાળામાં દિવસ અને રાત તું ધર્મધ્યાનમાં લીન રહેતો હતો. આ રીતે તું ધર્મ-અર્થ અને કામ, આ ત્રણે પુરુષાર્થનું સુયોગ્ય પાલન કરતો હતો.
તું ઉપવાસના બીજા દિવસે પારણું કરતો, તે પારણું હમેશાં તારી માતા કરાવતી હતી, વર્ષોથી આ જ પદ્ધતિ ચાલી આવતી હતી, તારી માતાને બસ, આ ઉપાય જડી શ્રી સમરાદિત્ય મહાકથા
80
For Private And Personal Use Only