________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહાદેવીને કષ્ટ થશે અને ગર્ભને હાનિ થશે. હું કોઈ ઉપાય વિચારું છું. પછીથી તમને હું જે કહેવરાવું તે પ્રમાણે તમારે ગંભીરતાથી કાર્ય કરવાનું. હવે તમે જઈ શકો છો.’ સખીવૃંદ ચાલ્યું ગયું.
મહારાજા ગંભીર વિચારમાં પડી ગયા.
માર્ગ સૂઝતો નથી. મૂંઝવણ વધી ગઈ.
મહારાજાએ મહામંત્રી સુમતિસાગરને યાદ કર્યા.
મહામંત્રી ઉપસ્થિત થઈ ગયા. મહારાજાએ તેમનું ઉચિત સ્વાગત કર્યું. મહામંત્રી સુમતિસાગર, મહારાજા પુરુષદત્તના સમયથી પૂર્ણ નિષ્ઠા સાથે મહામંત્રીનું પદ શોભાવી રહેલા હતા. સિંહરાજા પ્રત્યે તેમનો પ્રેમ અદ્વિતીય હતો. મહારાજાના મુખ પર ઉદ્વેગ જોઈને તેમણે પૂછ્યું :
‘રાજેશ્વર, એવી કેવી ચિંતા આપને સતાવે છે કે જેણે આપના મુખની કાન્તિ હરી લીધી છે? આપનો આ સેવક દિવસ-રાત આપની સેવામાં તત્પર હોય, અને આપ મૂંઝાયા કરો? કહો, નિઃસંકોચ જે મૂંઝવણ હોય તે કહો...'
મહારાજાએ કુસુમાવલીને આવેલું સ્વપ્ન કહ્યું. જેમ જેમ ગર્ભ મોટો થતો જાય છે તેમ તેમ રાણીનું પોતાના પ્રત્યે બદલાયેલું વર્તન કહ્યું... પોતાનાં આંતરડાંનું ભક્ષણ કરવાની ઇચ્છા કહી... ગર્ભપાત કરવાનો ઉપાય કર્યો - એ વાત પણ કહી.
મહામંત્રીએ કાન માંડીને એકાગ્રતાથી બધી વાત સાંભળી. મહામંત્રીના જીવનકાળમાં આ જાતની સમસ્યા પહેલી આવી હતી. પરંતુ એ પીઢ, બુદ્ધિશાળી અને વિચક્ષણ મહામંત્રી ક્યારે પણ હારવામાં માનતો ન હતો. ‘સમસ્યા હોય છે તો તેનું સમાધાન પણ હોય છે,' આ સિદ્ધાન્તમાં એની શ્રદ્ધા હતી. મહામંત્રીએ કહ્યું : ‘મહારાજા, હું સંધ્યા સમયે આપની પાસે આવું છું. એક વાત નિશ્ચિત માનો કે મહારાણીની ઇચ્છા પૂર્ણ થશે... અને આપને કોઈ ઇજા પણ નહીં થાય... એવો ઉપાય લઈને આવીશ.'
મહારાજા મહામંત્રીને મૂકવા મંત્રણાગૃહના દ્વાર સુધી ગયા. તેમને વિદાય આપી પાછા આવ્યા. તેમનું મન હળવું બન્યું હતું. સમસ્યાનું સમાધાન મળવાની આશા જાગી હતી. ઘણાબધા પ્રસંગોમાં મહામંત્રીની બુદ્ધિના ચમત્કારો જોયા હતા, તેથી મહામંત્રી ઉપર શ્રદ્ધા દૃઢ બની હતી.
સમગ્ર રાત્રિનો ઉજાગરો હતો - કુસુમાવલીની ચિંતાએ નિદ્રા છીનવી લીધી હતી. ચિંતા દૂર થઈ કે મહારાજાને નિદ્રાએ જકડી લીધા. શયનખંડમાં તેઓ નિદ્રાધીન થઈ ગયા.
સૂર્યાસ્ત થવામાં બે ઘટિકા શેષ હતી. મહારાજાએ આંખો ખોલી. તેઓ પલંગ પરથી નીચે ઊતર્યા, કે ભોજનનો થાળ લઈ મદનરેખાએ ખંડમાં પ્રવેશ કર્યો. ‘મહારાજા, સૂર્યાસ્ત થવામાં બે ઘટિકા બાકી છે. આપ ભોજન કરી લો...’
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
30: