________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક જ પોકાર અંદરથી ઊઠે છે : ‘હું મહારાજાનાં આંતરડા ખાઉં....' શું કરું? ગર્ભપાત શક્ય નથી બન્યો, તો હવે મને ઝેર લાવી આપો... હું જ મરી જાઉં... મારા મૃતદેહની સાથે એ પણ સળગી જશે...'
‘ના, દેવી આવા વિચાર ના કરો.’
આ વાર્તાલાપ ચાલતો હતો... અને મહારાજાએ શયનખંડમાં પ્રવેશ કર્યો. તેમણે કુસુમાવલીને જોઈ... નિસ્તેજ મુખ, કરમાયેલી દેહલતા... દેહ પર છવાઈ ગયેલી શ્યામલતા... તેઓ બોલી ઊઠ્યા : ‘દેવી, આ શું થવા બેઠું છે? શું તારી કોઈ ઇચ્છા પૂર્ણ નથી થતી કે તારી આજ્ઞાનું કોઈએ ઉલ્લંધન કર્યું છે? અથવા મારાથી અજાણતાં તારું મન દુભાયું છે? તું કહે... જો તો તારું પ્રતિબિંબ અરીસામાં... કહે, તારું શું પ્રિય કરું? તું કહે તે કરું...’
‘અહીં સ્વામીનાથ, હું આ જીવનથી કંટાળી ગઈ છું... હું મોત માગું છું... મળતું નથી... કહો, શું કરું?'
‘એવું કોઈ કારણ?’
‘મારું દુર્ભાગ્ય...’ રાણી રડી પડી.
મહારાજા માઁન થઈ ગયા. તેમણે વાત બદલી નાંખી. થોડો સમય ત્યાં પસાર કરી તેઓ શયનખંડમાંથી બહાર આવ્યા. તેમણે મદનરેખાને પોતાની પાછળ આવવાનો સંકેત કર્યો. મદનરેખા બહાર ગઈ. મહારાજાએ ખૂબ ધીમા સ્વરે તેને કહ્યું : ‘તમે બધી, દેવીની સખીઓ મારા મંત્રણાખંડમાં આવો... મારે થોડી વાતો કરવી છે....
*
મહારાજા ચાલ્યા ગયા. મદનરેખા ઊભી રહી ગઈ. તેના પેટમાં ફાળ પડી : ‘શું મહારાજાએ ગર્ભપાત કરવાની વાત જાણી લીધી હશે? એ માટે અમને સહુને બોલાવતા હશે?' તેણે પુષ્પલતાને બોલાવીને કહ્યું : ‘આપણને બધી સખીઓને મહારાજા બોલાવે છે... ચાલો...’
પુષ્પલતાને શરીરે પરસેવો વળી ગયો. ‘હાય, હવે શું થશે? મહારાજા આપણને સજા કરશે? કાઢી મૂકશે?'
‘કંઈ નહીં થાય માતાજી! સેનાપતિજી આપણા પક્ષે છે... ચિંતા છોડો અને ચાલો. ‘સાથે પ્રિયંકરા, શુભંકરા વગેરેને પણ આવવાનું છે. બધી સખીઓને બોલાવી છે ને...!’
સહુથી આગળ મદનરેખા અને પાછળ બીજી બધી સખીઓ મહારાજા સિંહના મંત્રણાખંડમાં પ્રવેશી.
‘મહારાજાનો જય હો!'
‘આવો, તમે સહુ આવી તેથી મને આનંદ થયો.’
‘અમારા યોગ્ય આજ્ઞા કરો મહારાજાધિરાજ...' મદનરેખાએ વિનયથી મધુર
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
309