________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘મારા યોગ્ય કોઈ આજ્ઞા મહારાજા?'
મહારાજાની આંખો ભીની થઈ હતી. તેમણે કહ્યું : ‘હું મહાપાપી છું... અભાગી છું સોમદેવ, આજે પણ મહાતપસ્વી અગ્નિશર્માને પારણું ના કરાવી શક્યો... પુત્રજન્મના આનંદમાં... ઉત્સવ રમણતામાં હું એ મહાતપસ્વીને ભૂલી ગયો... પારણાનું આગ્રહપૂર્વક નિમંત્રણ આપ્યા પછી... રોજ પારણાનો દિવસ યાદ કરવા છતાં... આજે પુનઃ ગંભીર ભૂલ કરી બેઠો. પુત્રજન્મનો અભ્યુદય મારા માટે આપત્તિરૂપ બન્યો... છે. હવે હું એ મહાત્માને મારું મોઢું બતાવવા લાયક રહ્યો
નથી... અને... એ મહાત્માના મનમાં મારા પ્રત્યે કેવો ભાવ જાગ્યો હશે? શું કર્યું હશે એમણે? સોમદેવ, તમે મારા આત્મીયજન છો, તમે તરત તપોવનમાં જાઓ. એ તમને ઓળખી ન જાય એ રીતે એ મહાત્માનો વૃત્તાંત જાણી લાવો. પાછા ત્વરાથી આવો. મારું હૃદય આજે કોઈ અગમ્ય ભયથી ફફડી રહ્યું છે. કોઈ અનર્થના ભણકારા સંભળાઈ રહ્યા છે...’
‘નરનાથ, આપ શાંત થાઓ, સ્વસ્થ થાઓ, જે બનવાકાળ હતું તે બની ગયું... હવે સંતાપ શા માટે? હું જાઉં છું તપોવનમાં, અને ત્યાંનો વૃત્તાંત જાણીને શીઘ્ર આપનાં ચરણોમાં ઉપસ્થિત થાઉં છું.'
પુરોહિત સોમદેવ અશ્વારૂઢ બની તપોવન તરફ ગયા.
તપોવનની બહાર એક વૃક્ષ સાથે અશ્વને બાંધી તેમણે તપોવનમાં પ્રવેશ કર્યો. તેઓ કુલપતિ પાસે ન ગયા. કુલપતિ સોમદેવને જાણતા હતા. એટલે તેઓ સીધા અગ્નિશર્મા પાસે જ પહોંચી ગયા.
નદીના કિનારા પાસેના લતામંડપમાં, ઘાસના બનાવેલા લાંબા સંથારા પર અગ્નિશર્મા બેઠેલો હતો. તેની આસપાસ અનેક તાપસો બેઠા હતા. તેના મુખ પર રોષ હતો. એની વાણીમાં કટુતા હતી, એ તાપસોની સમક્ષ ગુણસેનનો જ અવર્ણવાદ કરી રહ્યો હતો.
સોમદેવે અગ્નિશર્માને પ્રણામ કરી- ‘તુમાંં નમઃ’ કહીં નમસ્કાર કર્યો. અગ્નિશર્માએ આશીર્વાદ આપીને કહ્યું :
‘સ્વાગતં તે, ઉપવિશ...’
સોમદેવ ઠાવકા થઈને ત્યાં બેઠા. અગ્નિશર્માના કૃશ દેહ પર એક દૃષ્ટિ નાંખીને, હાથ જોડીને પૂછ્યું : ‘ભગવંત, આપનો દેહ આટલો બધો દુર્બળ કેમ દેખાય છે? શું આપને કોઈ વ્યાધિ છે?’
અગ્નિશર્માએ કહ્યું : ‘મહાનુભાવ, નિઃસ્પૃહ છતાં બીજાઓ પાસેથી આજીવિકા પ્રાપ્ત કરનારા તપસ્વીજનોનાં શરીર દુર્બળ જ હોય.’
શ્રી સમરાદિત્ય મહાકા
For Private And Personal Use Only
૧