________________
વિરાગની મસ્તી
પણ વિચાર કરતા રહીએ તો એ મોહ થાય ખરો?
મિત્રો, યાદ રાખો કે વસ્તુના ભાગથી તો તે વસ્તુ કરમાઈ જવાની, જ્યારે તે વસ્તુના ભિન્ન ભિન્ન બનતાં જતાં રૂપરંગોનું જ્ઞાન મેળવવાથી આપણો અંતરાત્મા ખીલી ઊઠવાનો. જીવન અને જગતનો સંબંધ ભોગથી નથી કિન્તુ સમજણથી છે. આપણે જગતના ભોક્તા ન બનીએ; દૃષ્ટા બનીએ.
નાટકમાં નટ તરીકે ભાગ લેનાર માણસ કરતાં, એ નાટકના ભજવાતા ભાવોને જોયા કરનાર વધુ આનંદ મેળવે છે. આપણે સંસાર-નાટકના નટ નથી બનવાનું પણ દ્રષ્ટા બનવાનું છે. દરેક પદાર્થનું ઝીણવટભર્યું દર્શન કરવાનું છે. જગતમાં બની રહેલા પ્રસંગો ઉપરથી નિત્ય નવો વિરાગ પ્રાપ્ત કરવાનો છે. પડોશીને ત્યાં ગામમાં કે વિશ્વભરમાં જે કાંઈ કોઈને વીતે છે તે ઉપરથી કર્મની પરાધીનતાના ત્રાસનો વિચાર આપણે આત્મસાત્ કરવાનો છે.
ક્રોધ, માયા, પ્રપંચ, ચોરી વગેરે પાપોએ બીજે ક્યાંક કશોક અનર્થ મચાવ્યો તો તે ઉપરથી તેની ભયાનકતા સમજી-વિચારીને આપણે જીવનમાં એ પાપો કદી ન પેસાડવાનો દૃઢ સંકલ્પ કરવાનો છે.
જીવન તો એવું જીવીએ જેમાં આપણું અંતર શાંત નદીના નીરની જેમ ચોખ્ખું રહ્યા કરે. ભલે એક વાત ઓછી ચલાવી લઈશું પણ અંતરને મેલ લગાડીને કોઈ પણ સુખ મેળવવાનો ઈન્કાર કરશું. આ લોકને જ સુખી બનાવવા જતાં જે છળકપટો કે પ્રપંચો ખેલશે તે બધા આપણા દીર્ધકાળના પરલોકને બગાડી નાંખશે. માટે તેવા અનીતિભર્યા જીવન આપણને કદી ગમવા ન જોઈએ. કર્મોની આ પરાધીનતા આપણે બરોબર સમજી લેવી જોઈએ. પરાધીનતાભરી જીવનની કરુણ દશાને એ સંતો નિહાળી શક્યા માટે જ વિરાગની મસ્તી માણી શક્યા. હવે એમનું સિદ્ધ જીવન એ જ આપણી સાધના બની રહેવી જોઈએ. સદેવ એમના જીવનને આંખ સામે તરવરતું રાખતાં રહીએ તો જ્યાં ત્યાં રાગરોષ કરતાં અટકી પડીએ. દુઃખદ પ્રસંગોમાં વિરાગની જ્યોત વધુને વધુ ઝળહળતી બનાવવા ભાગ્યશાળી બનીએ.”