________________
વિરાગની મસ્તી
કોઈ શેઠ કૂતરા જેવા સમજીને રોટલાના બે ટુકડા ફેંકે તો તેમાં સુખ કે દુઃખ? આપણા અજ્ઞાને તો હદ કરી છે કે જેથી આવી રીતે પણ રોટલાના બે સૂકા કટકા મળે તો ય પૂંછડી પટપટાવીએ! ભાઈ, આ તો ગમે તેમ તોય કર્મરાજની નજરકેદ છે. નજરકેદમાં રહીને ગમે તેવું સુખ મળે તો ય તે દુઃખ જ કહેવાય! કેદ તે કેદ! અને સ્વાધીનતાપૂર્વક ગમે તેટલું દુઃખ વેઠવું પડે તો ય તે સુખ જ કહેવાય, શેઠને ત્યાં સોનાના પીંજરામાં પોપટને પૂર્યો હોય, તેને સારામાં સારું ખાવાપીવાનું મળતું હોય તો ય તે પોપટ કરતાં જંગલનો પોપટ વધારે સુખી હોય છે; ભલે પછી તેને ભૂખ્યા પણ દી પસાર કરવા પડતા હોય.
કર્મ એને મન ફાવે ત્યારે આપણને નિઝામની નવાબીનો વૈભવ આપે અને એને ઠીક પડે ત્યારે એક જ ક્ષણમાં હાર્ટફેઈલ કરીને એની જ કૂતરીના પેટે જન્મ દે! કે એ મહેલના સંડાસ સાફ કરનારને ત્યાં જન્મારો દે! રે! એ નવાબીની સાહેબીમાં પૂળો પડો પૂળો, કે જે ગમે તેવી અવદશા સર્જવામાં કશી કમીના રાખતી નથી. જિનદાસ, આવાં સુખ શા કામનાં? એ સુખ તો દુઃખ કરતાં જરાય ઊતરતાં નથી હોં !
સ્વાધીનતા એ જ ખરું સુખ છે. સ્વાધીનતા વિનાના દેવી સુખો પણ દુઃખ જ છે. આટલી વાત આપણને નથી સમજાઈ; પણ જેમને આ વાતનો પાકો ખ્યાલ આવી ગયો છે એ બધા ય સંતોના સેવક બન્યા. ઉચ્ચ કોટિની સાધના કરીને સંત બન્યા. વિશ્વને પૂજનીય બન્યા.
લલાટે અંકાયેલું પરાધીનતાનું કલંક વિચારશું તો વિષય ભોગો તરફ વિરાગ જાગ્યા વગર રહેશે નહિ. સંસારના સઘળા ય રંગરાગ... આપણને લલચાવીને રાગ રોષ ઊભા કરાવે છે અને તેથી કર્મની ગુલામી વધતી જાય છે. ક્ષણભરના એ રાગ ક્ષણભર સુખ દે. પછી લાખો વર્ષો સુધીએ રાગે ઊભાં કરેલા કર્મો કેડો ન મૂકે. ત્રાહિ ત્રાહિ પોકારાવી દે. એવા રાગનાં સુખ તે શા કામનાં? એવી લાલચો તો રિબામણ કહેવાય રિબામણ!
આપણી આંખ સામે આપણે નથી જોતાં કે ગઈ કાલની પુષ્પની કળી આજે મજાનું આકર્ષક ખિલખિલાટ હસતું ગુલાબ બને છે. આવતી કાલે કોઈ એને ચૂંટી લે છે. પરમ દિવસ ઊગતાં ઊગતાં તો બિચારું કરમાઈ જાય છે. એના તરફ જોવું ય ગમતું નથી!
સંસારના બધાંય સુખ-સાધનો આવાં જ છે. હવે એમાં મોહી પડીએ તો અંતરની શાંતિ ખોઈ બેસીએ. એનાં કરતાં ચિત્તને જરાક સમજાવી દઈને એના ભાવી સ્વરૂપનો