________________
વિરાગની મસ્તી
[૧૩] સિદ્ધાર્થ બોલ્યો, “ગુરુદેવ! છેલ્લા આવર્તમાં જીવ આવે ત્યારે જ આ ધર્મપ્રશંસાનું બીજ પડે અને એમાંથી જ વિરાગની કલ્પલતા ફાલેફૂલે કેમ? પણ એ કલ્પલતાનું ફળ કેવું કે જેની સુગંધથી ધર્મરાજના નાગરિકોના મન પ્રસન્ન થઈ જાય અને પેલા ધાડપાડુઓ ત્રાસી જાય?”
ગુરુદેવે કહ્યું, “સમાધિ એ જ વૈરાગ્યનો પૂર્ણ વિકાસ છે. વિરાગની પરાકાષ્ટા એટલે સમાધિની મસ્ત અનુભૂતિ! એ વખતે ન મળે રાગ કે ન મળે રોષ! ન મળે રીસ કે ન મળે રીઝ.
જેમ જેમ આત્મા ધર્મરત થતો જાય તેમ તેમ તેની સમજણ વધતી જાય. પછી તેને સ્પષ્ટ સમજાઈ આવે કે જગતના કોઈ પણ પદાર્થ ઉપર રાગ કરવામાં મજા નથી. જો રાગ કરીશું તો એનો વિયોગ કરાવનાર ઉપર ક્યારેક રોષ પણ થવાનો જ. એટલું જ નહિ પણ બીજાઓને એવું રાગસાધન મળે તો ઈર્ષ્યા પણ થવાની. “એમને કદી ન મળોએવી મેલી ભાવના મનને સંતપ્ત પણ રાખવાની જ.
જેને રાગ હોતો નથી તેને રોષ પણ હોઈ શકતો જ નથી. રાગ ભડકો છે, રોષ ધુમાડો છે. ભડકા વિના ધુમાડો સંભવે નહિ. આ રાગ-દ્વેષ વિનાની એક એવી મસ્ત મોજ છે કે જેને સંતોની સૃષ્ટિ જ અનુભવવા ભાગ્યશાળી બને છે. આપણે સંસારી લોકો રાગ-રોષના ચક્કરમાં એવા ફસાઈ ગયા છીએ કે એ મસ્તીની આપણને તો ઝાંખી પણ નથી થતી.
આપણું જીવન એટલે પચાસ વર્ષનું જીવન! આપણી દુનિયા એટલે આપણા માનેલા સ્નેહી-સ્વજનોની જ દુનિયા! આપણે એટલે આ શરીર! અને સુખ એટલે પત્ની, પુત્રો અને મકાન વગેરેના ભોગ! જીવન તો અનંત છે! આ પચાસ વર્ષનો એક કટકો માત્ર જીવન નથી. હજુ એની પછી તો જીવનોનાં જીવનોની લાંબી કતાર ઊભી રહી છે. દુનિયાના એ બધાય જીવનોને નજરમાં રાખીને સઘળાં જીવનોનાં સુખોનો વિચાર સ્વાભાવિક રીતે જ આ જીવનના રંગરાગથી તેમને વધુને વધુ વિરક્ત બનાવતો રહે છે.
એમની દુનિયા પણ આપણા જેટલી સંકુચિત નથી. વિશ્વ એમનું કુટુંબ છે. જીવત્વના નાતે સઘળા ય જીવો એમના મિત્ર છે. તેઓ વિશ્વામિત્ર છે. અજાતશત્રુ