________________
વિરાગની મસ્તી
૯
ઘણું ઊકલી જાય, અશાન્તિ નાસી જાય, હૈયાંહોળી શમી જાય... માનવ માનવને ચાહતો થઈ જાય! જીવ જીવને મહોબ્બત કરતો થઈ જાય!
પછી ઘાવ લાગશે કોઈના દિલમાં અને આંખો રડશે કો'ક બીજાની! માગણીઆઓથી ઊભરાતા આ વિશ્વમાં માગણીઆઓનો ભારે મોટો દુકાળ પડી જશે ! જ્યારે સર્વત્ર પ્રેમ છવાઈ જશે, જ્યારે ચોમેર મૈત્રી વ્યાપી જશે, જ્યારે સ્વાર્થી સહુ મટી ગયા હશે ત્યારે વિશ્વમાં બીજાં કશું જ નહિ હોય, સિવાય છલોછલ આનંદ!
હવે દૃષ્ટિ બદલવી પડશે, જગતનું ભ્રાન્ત દર્શન ત્યાગી દેવું પડશે. પેલા વૈજ્ઞાનિક સર જેમ્સ જીન્સની વાણી- કે, ‘જે સ્વરૂપમાં જગત દેખાય છે, વસ્તુતઃ તે તેનું સ્વરૂપ જ નથી’ - એને આત્મસાત્ કરવું પડશે.
રખે કોઈ કલ્પી લે, લલનાના દેહમાં લસલસતું સૌંદર્ય! રે! એ તો છે રાખની ઢગલી.
રખે કોઈ માની લે તોતિંગ ઈમારતને વૈભવ-વિલાસનો મહેલ! રે એ તો છે ઇંટ મટોડાનું ખંડિયેર.
ક્યાં રાચવું માચવું છે? સૌંદર્યમાં ? સ્વજનોમાં ? સિને ટોકીઝોમાં ? પાર્ટીઓમાં ? પ્યારની દુનિયામાં ? રે! ગમે તેવી ભવ્યતા હશે વિષયોના એ ગુલમાં, પણ... પણ એક કાતિલ ભયાનકતા ધરબાઈ છે એના સ્વરૂપમાં! એને કાળો ડીબાંગ ડાઘ લાગ્યો છે! એને જોયું ન જાય તેવું કલંક લાગ્યું છે... નશ્વરતાનું !!!
બધું ય નશ્વર!!! કશું જ અવિનાશી નહિ!!! હા... અવિનાશી માત્ર આત્મા. જે બિચારો નાશવંતનો પ્યાર કરીને રોતો-કકળાટ કરતો એકલો ચાલ્યો જાય તનડાને મૂકી દઈને. ખભે નાંખે છે પાપ-પુણ્યનો થેલો અને હાથમાં પકડે છે ભવિતવ્યતાની લાકડી! ટકોરા દે છે દુર્ગતિના દ્વારે! દુઃખોની કાળઝાળ અગનવર્ષા એના સન્માન કરે! પરમાધામીના હંટરો એના અંગે અંગે વીંઝાય અને રોમરોમ ચિચિયારીઓ પાડે !
જેમ આ વિશ્વ નાશવંત છે તેમ જો આત્મા ય નાશવંત હોત તો ? પંચભૂતમાં જ મળી જાત ને? પછી ન હતી દુર્ગતિની મહેમાનગીરી, ન હતું કોઈ દુ:ખ, પણ સબૂર... ‘જો’ અને ‘તો’ની કલ્પના-સૃષ્ટિમાં સત્યની વાતો વિહરતી નથી. વિનાશી વિશ્વમાં આત્મા અવિનાશી છે એ સત્ય છે. એટલું સુંદર સત્ય કે એને તર્કના વાઘાવસ્ત્ર પહેરાવવાની કશી જ જરૂર નથી.
જેને આ સત્ય સ્પર્શે છે એની-વિષયોના પ્રલોભનો તરફ ધસી જતી- હરણફાળ