________________
વિરાગની મસ્તી
મોહરાજે આ પ્રમાણે મનોમન વિચાર કરી લઈને એક મંત્ર ભણ્યો અને ફૂંક મારી કે તરત જ બધાય પ્રધાનો તન્દ્રમુક્ત થઈ ગયા. આંખો ચોળીને સ્વસ્થ થઈ ગયા.
મોહરાજે કહ્યું: “અરે! મૂર્ખાઓ! ધૂળિયા છોકરા જેવા સદાગમના કામણમાં તમે અટવાઈ જશો તો આ રાજ્ય કેમ ચાલશે? ચાલો, તૈયાર થઈ જાઓ. એક જીવની ચિત્તવૃત્તિમાં પડી ગયેલા બીજને ઉખેડી નાંખવા સજ્જ બની જાઓ.”
મોહરાજની હાક સાંભળતાં જ તેના યોદ્ધાઓ સજ્જ થઈ ગયા. સાચા અર્થમાં તો આ લોકો યોદ્ધા હતા જ નહિ, ધાડપાડુઓ જ હતા; એટલે યુદ્ધનીતિમાં તે સમજતા જ નહિ, તેમની તો એક જ નીતિ હતી; પોતાનું રાજ્ય વિસ્તારવું અને એક પણ માણસને શત્રુપક્ષમાં જવા ન દેવો!
સંધ્યા થઈ! અંધારું થયું. આગળ વધવાનો હુકમ છૂટ્યો. તલવારો ખણખણી. ઘોડાના ડાબલા બનવા માંડ્યા. ધર્મરાજની સરહદ ઉપર મોહરાજ આવી પહોંચ્યો. એકાએક આ ધાડ આવી પડતાં ત્યાં રહેલા શુભાશય વગેરે ચોકીદારો જરાક વિચારમાં પડી ગયા. છતાં તેમણે મરણિયો હુમલો કર્યો.
મોહરાજના વ્યવસ્થિત રીતે ત્રાટકેલા સૈન્ય તેમને બધાયને ધરતી ઉપર સુવડાવી દીધા. ઠેઠ મેદાનમાં ઘૂસી ગયા. સંસારી જીવની ચિત્તવૃત્તિમાં પહોંચી જઈને ત્યાં દાટેલું બીજ ખેંચી કાઢ્યું અને જીવ લઈને પાછા નાઠા.
આ બાજુ ધર્મરાજને ખબર પડી. તરત જ સૈન્ય મોકલ્યું પણ મેદાનમાં કોઈ ન મળે. એ ધાડપાડુઓ તો ક્યાંય પલાયન થઈ ગયા હતા. બીજ પાછું વાવી દીધું અને પાછા ફર્યા. આવું ઘણીવાર બન્યું. દરેકવાર ધર્મરાજનું સૈન્ય મોડું પડી જતું.
એક વાર તો મોહરાજનું આખું ય સૈન્ય કન્દરાઓમાં છુપાઈ રહ્યું. ધાડપાડુઓ મધરાતે મેદાનમાં પેસી ગયા. કયાંકથી બીજ ઉખેડ્યાં તો ક્યાંક થડ ઉપર કુહાડાના ઘા દેવા લાગ્યા. અંદર અંદરની ગુપચુપથી ધર્મરાજના સૈન્યને જાણ થઈ ગઈ. સેનાપતિએ રાડ નાંખી. “હોંશિયાર!” અને... બધાય સજ્જ થઈ ગયા. ધાડપાડુઓ તો એ ત્રાડ સાંભળતાં જ ધ્રુજી ઊઠ્યા. બધુંય પડતું મેલીને જાય ભાગ્યા જીવ લઈને... ધર્મરાજના સૈન્ય પીછો પકડ્યો. ધનુષટંકાર થયો અને એક પછી એક તીર છૂટવા લાગ્યાં.
કોઈનો હાથ વીંધાયો તો કોઈનો પગ વીંધાયો! કોઈના ઘોડા લંગડા થઈ ગયા! તેઓને ખૂબ માર્યા! ખૂબ માર્યા! મારીમારીને અધમૂઆ કરી નાંખ્યા!''
જીવી ડોશી ગરજી ઊઠ્યાં, “એ તો એ જ દાવના હતા!”