________________
વિરાગની મસ્તી
હતી.
મેદાનને વીંટળાઈને રહેલી ટેકરીઓની બહાર, બધી મોહરાજની ભૂમિ હતી. ત્યાં જે લોકો વસતા તેઓ મનના ઘણા જ મેલા હતા. માંસાહારી હતા, જૂઠું બોલવામાં તો પાપ માનતા જ નહિ, ચોરી કે લૂંટફાટ કરવાનો તો તેમનો ધંધો જ હતો. એ લોકો ધાડપાડુઓ હતા. પરસ્ત્રીગમન તો તેમને મન સામાન્ય બાબત હતી. તેમણે ચોરીના માલથી કેટલીય ગુફાઓ ભરી દીધી હતી.
કોઈ પણ માણસ ધર્મરાજની સરહદમાં ચાલ્યો ન જાય તે માટે મોહરાજે ભારે તકેદારી રાખી હતી. સરહદ ઉપર સખ્ત ચોકીપહેરો ગોઠવી રાખ્યો હતો પણ તેમ છતાં લાગ મળી જાય ત્યારે ધર્મરાજનો બહુમાન્ય સેવક સદાગમ મોહરાજના એકાદ બે માણસોને ઉઠાવી લેવાનું ચૂકતો નહિ. એક વખત આવી જ તક આવી લાગી અને સરહદની પોતાની બાજાએ ઊભેલા સદાગમે એક સંસારી જીવની ચિત્તભૂમિમાં પેલું ધર્મપ્રશંસાનું બીજ વાવી દીધું. પછી તેને ઉઠાવીને ઝટ પોતાના મેદાનમાં લઈ આવ્યો.
આ બાજુ પેલા જીવની ચિત્તભૂમિમાં બીજ પડ્યું અને મોહરાજની રાજસભામાં ખળભળાટ મચ્યો. મોટા મોટા સુભટો બેચેન બનવા લાગ્યા. સતત કામ કરવા છતાં ન થાકે તેવા રાગકેસરી અને દ્વેષગજેન્દ્ર પણ બગાસાં ખાવા લાગ્યા. મોહરાજ ચમકી ગયા. તરત મનમાં વિચાર્યું કે નક્કી પેલા સદાગમે કશુંક કામણ-ટ્રમણ કરી નાંખ્યું લાગે છે. આંખો મીંચી દીધી. જરાક ધ્યાન ધર્યું તો જણાયું કે અમારા એક નાગરિકના ચિત્તમાં બીજ નાંખી દીધાનું આ પરિણામ છે. અહો! આ નાગરિક હવે હાથથી ગયો! ધર્મરાજના મેદાનમાં એને વસવાટ મળી ગયો જ સમજો ! એની ચિત્તવૃત્તિમાં પડી ગયેલું બીજ કાલે ફૂટશે, પછી અંકુરિત થઈ જશે અને પછી પુષ્પિત પણ થઈ જશે. એક બીજ પડતાં જ મારા સુભટો બગાસાં ખાવા લાગ્યા તો એમાંથી અંકુરો નીકળતાં શું થશે? પાંદડાં ફૂટતાં શું થશે? માટે અત્યારે જ આ અમંગળનું નિવારણ કરી દેવું જોઈએ. ભલે સદાગમે ગમે તેવો મંત્રોનો સંસ્કાર આપીને બીજ વાવી દીધું. પણ અમે હમણાં જ સરહદમાં ઘૂસી જઈને બીજ કાઢીને ફેંકી દઈશું. કોઈ પણ હિસાબે એનો વિકાસ તો નહિ જ થવા દઈએ. આજ સુધીમાં અમારી બેદરકારીને પરિણામે અગણિત કલ્પલતાઓ ઊભી થઈ ગઈ. એની ઉપર બેઠેલાં ફળોની સુગંધિ ચોમેર ફેલાઈ ગઈ. અમે તો એ સુગંધીને જીરવી પણ શકતા નથી. હજુ તેમાં વધારો થાય તો અમારું થાય શું? માટે હવે આ નવાં તોફાનોને તો તત્કાળ દાબી દેવામાં જ મજા છે.