________________
વિરાગની મસ્તી
વિચારો પણ જાગી જાય છે. પછી એ બે જાતના વિરોધી વિચારનો પરસ્પર સંઘર્ષ થતો હોય એવું આપણે અનુભવીએ છીએ. તે વખતે કોઈ પૂછે કે ભાઈ શું નિર્ણય ઉપર આવ્યા? ત્યારે આપણે તરત કહીએ છીએ કે હજુ કાંઈ જ નક્કી થતું નથી. મનમાં બેય વિચારોનું તોફાન ચાલે છે. ઘડીમાં એક જીતે છે, તો ઘડીમાં બીજો. આવા વિચારો આત્માના સંબંધમાં ય ચાલે છે. એકાદશીનો ઉપવાસ કરવો કે ન કરવો. પૂજા ભણાવવી કે ન ભણાવવી? એક બાજુ સુમતિ કહે કે ઉપવાસ કરો, કલ્યાણ થશે. પૂજા ભણાવો, સુખી થશો. ત્યારે બીજી બાજુ કુમતિ કહે છે કે ઉપવાસમાં તો લાંબા થઈ જશો. માટે નથી કરવા ઉપવાસ, નથી કરવી પૂજા, મોંઘવારી કેટલી વધી ગઈ છે? ત્યાં આ પૂજા-પાઠના ખર્ચા! પૈસાના ધુમાડા !”
ગૌતમ એકદમ ઊભો થઈ ગયો! “તદ્દન સાચી વાત ગુરુદેવ, તદ્દન સાચી વાત. આજે તો આપે કમાલ કરી નાંખી છે. અમારા મનની વાતો આપ ક્યાંથી જાણી ગયા?”
ધર્મસભાનો શોગિયો રંગ આખોય પલટાઈ ગયો હતો. બધાયના મોં ઉપર કાંઈક જાણવાની ઈચ્છા, આનંદ, આશ્ચર્ય, પ્રસન્નતાની લાગણીઓ તરવરતી હતી.
દા' મનોમન બોલ્યા, “શોકનું વાતાવરણ દૂર કરવામાં ધારી સફળતા મળી.” ખોંખારો ખાઈને દા'એ વાત આગળ ચલાવી. સભામાં શાન્તિ સ્થપાતાં કહ્યું, હવે સાંભળો પેલી યુદ્ધની વાત! આપણા મનમાં જ્યારે ધર્મબીજ વિકાસ પામે છે ત્યારે અશુભ વાસનાઓ એટલે કે મોહરાજ કેવું તોફાન મચાવે છે? અને તેની સામે શુભ ભાવનાઓ એટલે કે ધર્મરાજ કેવી સખત લડત આપે છે, તે શાંતિથી સાંભળજો અને તેમાં છુપાયેલો મર્મ પકડતા જજો. એકલી વાર્તા જ સાંભળવામાં ગુલતાન ન બની જશો.