________________
૭૮
વિરાગની મસ્તી
મધુર ફળ છે.
જ્યાં સુધી ચિત્તમાં સમાધિભાવ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી જે કાંઈ ક્રિયાકાંડરૂપ ધર્મધ્યાન કરીએ તે બધું સ્વર્ગાદિ સુખને આપી શકે, પણ સર્વ સુખોથી ઉત્કૃષ્ટ એવું મોક્ષ સુખ તો ન જ આપી શકે. એ સુખ આપવાની તાકાત તો સમાધિની પ્રાપ્તિમાં જ છે. હવે તમારા આત્મામાં જુઓ. બીજ પડી ગયું છે? અંકુરો ફૂટયા છે? થડ, પાંદડાં, પુષ્પ વગેરે આવી ગયાં છે?''
બધા ય બોલી ઊઠ્યા, “ના રે ના.... ગુરુદેવ કશાયનાં ઠેકાણાં લાગતાં નથી. માત્ર બીજ પડ્યું હોય તેમ લાગે છે. ગુરુદેવ! હવે તો અમારે આ બીજને વિકસાવવું છે. એ માટે કાંઈક સરળ ઉપાય બતાવો કે બીયંબીયાં, અંકુરઅંકુરા, પત્રપત્રા, પુષ્પપુષ્પા અને છેવટે ફૂલફૂલા આવી જાય અને પછી એનો મસ્ત રસ ગટગટ ગટાગટ કરતા પીવા લાગીએ.”
ગુરુદેવ હસી પડ્યા. “બંધુઓ તમે તો ગટગટની વાત કરી પણ હજી તો તમારા બીયંબીયાનાં ય ઠેકાણાં છે કે નહિ તેનો પાકો નિશ્ચય કરવાની જરૂર છે. કેમકે સંસારી જીવની ભૂમિમાં જ્યારે વૈરાગ્ય કલ્પવેલડીનું બીજ પડે છે ત્યારથી જ મોહરાજની છાવણીમાં ખળભળાટ મચી જાય છે. ધર્મરાજ સાથે યુદ્ધ ખેલાય છે અને એક મોટું મહાભારત રચાઈ જાય છે.”
મહાભારતની વાત સાંભળીને તો બધા એકદમ બોલી ઊઠ્યા, “એ શું કહ્યું? ગુરુદેવ! વિરાગની વાતમાં મહાભારત શેનું? મોહરાજ કોણ? એ ક્યાં રહે છે?”
ગુરુદેવે કહ્યું, “તમે બધા એકદમ ઉતાવળા થઈ જાઓ છો. આજે તમને તદ્દન નવી જ દુનિયામાં લઈ ગયો છું એટલે જ નવું નવું જાણવાની તમારી કુતૂહલવૃત્તિ વારંવાર ઉત્તેજિત થઈ જાય છે. એ મહાભારત પાસે પાંડવ-કૌરવનું મહાભારત તો બિચારું આપણા ગામડાના ફળિયામાં લડતાં એ દૂબળા બાળકોના યુદ્ધ જેવું લાગે. ક્યાં એ ધર્મરાજ અને મોહરાજ! એમના સામર્થ્યની તો શી વાત કરવી?
સાંભળો ત્યારે સામ-દામ-ભેદભરી એ યુદ્ધકથા. પણ એક વાતની ચોખવટ કરી લઉં તો જ મજા આવશે કે આ યુદ્ધકથામાં એક બાજુ ધર્મરાજ છે અને બીજી બાજુ મોહરાજ છે. આ યુદ્ધ ભારતની કે આખી દુનિયાની કોઈ સૃષ્ટિ ઉપર ખેલાયું નથી, કિન્તુ આપણા દરેકની આંતરસૃષ્ટિમાં ખેલાતું મનોયુદ્ધ છે.
આપણે જાણીએ છીએ કે આપણા મનમાં હંમેશ અમુક પ્રકારનું તોફાન ચાલતું જ રહે છે, ક્યારેક આપણને દયા દાનનાં વિચારો જાગે છે, તો ક્યારેક તેથી અવળા