________________
વિરાગની મસ્તી
[૧૧]
બીજા દિવસની સાંજ પડી. દા'ના ખાસ આમંત્રણને લીધે આજે બધા ય વહેલા વહેલા ધર્મસભામાં આવી રહ્યા હતા. દા'ના આવ્યા પહેલાં વડલાની નીચે વાળીઝૂડીને તૈયાર કરેલી જમીન ઉપર બધા ગ્રામજનો બેસી ગયા હતા. સર્વત્ર મૌન છવાયું હતું. શીતલ પવન મંદ મંદ વાઈ રહ્યો હતો. બરોબર નવ વાગ્યે દા” આવ્યા. પ્રાર્થના થઈ. સહુ નીચે બેઠા. દા' વડલાને ટેકીને બેઠા. દા'ના મોં ઉપરના અતિશય ગાંભીર્યને જોઈને સહુને એમ લાગતું હતું કે આજની ધર્મસભા યાદગાર બની રહે તેવું જ કાંઈક દા'ના મુખમાંથી નીકળશે.
ચંપાની કળી કરમાઈને પડી ગઈ. એણે શેઠને આઘાત લગાડ્યો. શેઠ પણ ગયા. એનો આઘાત દા'ને લાગ્યો. પરંતુ દા” પોતાનું જીવન ખોઈ બેસે તે પહેલાં અનેકને નવું જીવન આપી જવા આજે ઉત્સુક બન્યા હતા. ખોંખારો ખાતાં દા'એ કહ્યું, “સહુ આવી ગયા છો? પરગામ ભણવા ગયેલા આપણા ગામના જે કિશોરો રજા ગાળવા અહીં આવ્યા છે તે પણ આવી ગયા છે? સિદ્ધાર્થ, કપિલ, ગૌતમ, જિનદાસ, શંકર, ગંગેશ વગેરે આવી ગયા છે?'
બધાએ કહ્યું, “હા જી. આપની આજુબાજુમાં જ બધા ગોઠવાઈ ગયા છે.”
“બહુ સારું. હવે સાંભળો ત્યારે ગઈ કાલે મેં તમને જે ઉદ્દેશથી બોલાવ્યા એ જ ઉદ્દેશ પાર પાડવા માટે આજે રાત્રે મને સંકેત થયો છે. મેં સ્વપ્નમાં વિમળશેઠને જોયા.'
સહુ સજાગ થઈ ગયા! “શેઠનું દિવ્યરૂપ જોઈને હું તો અચરજમાં ડૂબી ગયો! દેવકુમાર જેવા લાગતા શેઠ મારી પાસે આવીને ઊભા રહ્યા. મને જગાડ્યો. હું એકદમ બેઠો થઈ ગયો. શેઠ મારી બાજુમાં બેઠા. મને કહ્યું, “દા' મારી કાયાપલટને દિવસો વીતી ગયા છે છતાં હજુ આ ગામડું શોકમાં ડૂબેલું જણાય છે! હજી કોઈને સુખ-શાન્તિ જણાતાં નથી! કોઈ ધંધે વળગ્યું નથી! કોઈને કશી વાતમાં ચેન પડતું નથી! દા'! તમારા જેવા તત્ત્વજ્ઞાની આ ગામમાં વસતા હોય તોય શું આ સ્થિતિ!
શું જીવનમરણનું તત્ત્વજ્ઞાન શોકને દૂર હડસેલી દેવા સમર્થ નથી? જગતનું દુઃખ ધનથી કે મોટી મહેલાતો આપી દેવાથી ટળી શકતું નથી, કોઈ ટાળી શકતું જ નથી. એ તો કામચલાઉ રાહત છે. વિશ્વના વાસ્તવિક સ્વરૂપનું દર્શન કરાવતું તત્ત્વજ્ઞાન