________________
વિરાગની મસ્તી
સ્વરૂપદર્શન જ સમર્થ છે એ વાત આ પ્રસંગે એમને બરોબર જચી ગઈ હતી.
દા' ધર્મસભામાંથી ઊઠ્યા. ઊઠતી વખતે સહુને કહ્યું, “શેઠના મૃત્યુના પ્રસંગે આપણને બધાને ભગ્નહૃદય બનાવી દીધા છે. આજે આપણા બધાની કમર ભાંગી ગઈ છે. ખેર, શેઠનું મરણ પણ આપણા માટે મંગલકારી બની રહેવું જોઈએ. શેઠના મરણનો શોક ન હોય. ખરેખર તો શેઠ મૃત્યુ પામ્યા જ નથી. અમર આત્મા એની અધૂરી સાધના માટે જરૂરી નવો દેહ ધારણ કરવા આ દેહને છોડી ગયો છે. આવતી કાલે બધા ય આપણી ધર્મસભામાં સમયસર આવી રહેજો.”
દા' ઊઠ્યા. શેઠના મરણ બાદ ચાર ચાર દિવસ સુધી તદ્દન આળાં થઈ ગયેલા હૈયાંને દા'ના વચનોએ કાંઈક સમાર્યા. એમાં ચેતન આણ્યું! વીખરતા ભાવુકો પરસ્પર વાતો કરવા લાગ્યા, “આવતી કાલની ધર્મસભામાં દા' જરૂર કશુંક નવું તત્ત્વજ્ઞાન આપશે, જે કદી આપણે સાંભળ્યું નહીં હોય. અંતરમાં ઊંડે સુધી ઊતરી ગયેલા શેઠના મરણનો ઘા, તેમના જીવનમાં જબ્બર પરિવર્તન લાવી મૂકે તો નવાઈ નહિ. તેમના મુખ ઉપરથી જ એમ લાગે છે કે દા' કશાક નિગૂઢ ચિંતનમાં ઓતપ્રોત થઈ ગયા છે. ખેર, હવે કાલને કેટલી વાર છે?''