________________
વિરાગની મસ્તી
૫૯
અમને એના વિના લગીરે ગમતું નથી.” બાળકો બોલતાં જાય છે અને સાથે સાથે રડતાં જાય છે. શેઠથી ન રહેવાયું. હૈયું એકદમ ભરાઈ ગયું અને બાળકોને છાતીસરસા ચાંપી દેતાં એકદમ રોઈ પડ્યાં. આ જોઈને દા'ના મનને ટાઢક વળી. શેઠે રોતાં રોતાં કહ્યું, “બાળકો, હું જ તમારો બાપુ છું, પછી તમે કેમ રડો છો?''
રડતાં બાળકે જવાબ આપ્યો, “પણ અમારી બા ક્યાં છે? અમારે તો બાપા ન હોય તો કાંઈ નહિ, પણ જો તમે બા નહિ લાવી દો તો અમે ખાવાના જ નથી. બાપા! તમે ઝટ બા પાસે જાઓ અને એને તેડી લાવો અને અહીં આવવાની ના કહે તો અમને બા પાસે લઈ જાઓ. બા. ઓ... બા...''
બાળકોના કરૂણ કલ્પાંતથી ઘણા માણસો ભેગા થઈ ગયા હતા. દરેકની આંખોમાંથી અશ્રુપ્રવાહ ચાલ્યો જતો હતો. શેઠ બોલ્યા, “બાળકો હું જરૂર તમારી બા પાસે જઈશ તમે જરાય રોશો નહિ..”
પણ બાળકો તો એમની વાતે કેમ વળી જાય? માનું વાત્સલ્ય તો બાળક જ સમજી શકે ને? બાપા કરતાં ય માને બાળક કેટલું ચાહે છે એ વાત આ બાળકોએ કહી દેખાડી.
સમય સમયનું કામ કરે છે. દુઃખનું ઓસડ દહાડા. એ બનાવને પોતાના વિરાટ ઉદરમાં મહાકાળે ક્યાંય સમાવી દીધો! પણ શેઠને ત્યાં જ રહેલાં બાળકોએ શેઠને એ બનાવ વીસરવા ન દીધો! દિવસમાં વારંવાર બાને બોલાવવા જવાની શેઠને યાદ દેવડાવતાં, અને શેઠનું હૈયું ભરાઈ જતું.
શેઠને થયું, હવે મારે ય એમની બાને બોલાવવા જવાના જ દિવસો આવી લાગ્યા જણાય છે. જે પોતાના જીવનનું કર્તવ્ય ચૂકે છે અને જીવવાનો કોઈ અધિકાર નથી. હું આજ સુધી મારા દરેક કર્તવ્યમાં સાવધાન રહ્યો. પણ આજે હું કર્તવ્ય ચૂક્યો એ જ સૂચવે છે કે મારું જીવન નાવડું કિનારે આવી રહ્યું છે.
શેઠ વિચારતા હતા. “ધનસંપન્ન માણસો ગરીબોની માં ન બને તો એમના ધનનો એકેકો સિક્કો કાળોતરો નાગ છે. એની એકેકી નોટ સેંકડો ફાંસીની સજાનાં ફરમાન છે! માનવ જેવો માનવ પોતાનું પેટ ભરાયા પછી પણ બીજા માનવીની કાળજી ન લે? જીવ જેવો જીવ બીજા જીવોની સંભાળ ન લે? જો કોઈ માનવ એના ક્ષણભંગુર દેહને આનંદ આપનારા સ્વજન-સ્નેહીઓની જ કાળજીમાં કૃતકૃત્યતા અનુભવતો હોય તો તે માનવ જ નથી. “સંપત્તિનો એક નવો પૈસો પણ પરલોકમાં આવનાર નથી.” એ સત્ય સ્પષ્ટ રીતે જાણવા છતાં જો માનવ એની ઉપર મૂછ રાખે