________________
વિરાગની મસ્તી
ભાવો ઉપરથી જણાયું. હૈયું ભારે થઈ ગયું હતું. માથું શૂન્ય બની ગયું હતું, દા'ને લાગ્યું કે શેઠ બોલશે નહીં કે એકવાર મન મૂકીને રડી લેશે નહિ તો શેઠના શરીર ઉપર ભારે વિપરીત અસર પડશે.
દા'એ કહ્યું, “શેઠ, હવે આમ વિચારો કરવાથી ચંપા પાછી આવશે? તમને જો કદાચ એમ લાગ્યું હોય કે એ તમારી જ ભૂલનું પરિણામ છે તો હવે એવી ભૂલ ફરી ન થાય તેની કાળજી રાખજો પણ આમ હતાશ થઈ ગયે કેમ ચાલશે?” દા'એ તો ફેરવી ફેરવીને એ વાત ઘણીવાર કહી પરંતુ દા'નો દાવ નિષ્ફળ ગયો! શેઠને આ કરુણ પ્રસંગના આઘાતનો સખત આંચકો લાગ્યો હતો. એમના અંતરાત્મામાં ઊંડો જખમ પડી ગયો હતો. એ જખમ દૂઝતો હતો.
કાયાના જખમ જલદી રુઝાય પણ અંતરમાં લાગેલા ઘા વર્ષો સુધી દૂઝતા રહે.
પાકી ગયેલા પાંદડાને લાગેલો આ આંચકો કોઈ નવો અકસ્માત સર્જી દેશે એમ દા'નું અંતર કહેવા લાગ્યું. દા'એ ઘણા ઉપાય કર્યા પણ બધા ય નિષ્ફળ ગયા! શેઠ એક તરફ બોલતા નથી. આંસુનું એક બુંદ સારતા નથી. એમનું અંતર રાડો પાડીને એમને જાણે કડક શબ્દોમાં ઠપકો દેતું હતું, “શેઠ, તમારા જ પાપે કૂવો કલંકિત થયો, તમારું ગામ કલંકિત થયું, તમે પણ કલંકિત થયા! તમારી સાત સાત પેઢી કલંકિત થઈ! આવી બેદરકારી! માણસ મોતના મુખમાં ધકેલાઈ ગયું ત્યાં સુધી મોજથી ખાધા-પીધા કર્યું! કશું ય ભાન ન રાખ્યું! ખુલ્લી પીઠ ઉપર મીઠાના પાણી પાયેલા હંટરો ઝીંકાતા હોય તેવી વેદના આ શબ્દનાં હંટરો વીંઝાતાં શેઠ અનુભવતા હતા.
આખી રાત વીતી ગઈ. આંખનું મટકું પણ માર્યા વિના શેઠ એમને એમ બેસી રહ્યા. સહુ સૂઈ ગયા. માત્ર જાગતા હતા શેઠ, જીવરામદા અને બાજુમાં નિસ્તેજ બનતો જતો દીવો! મળત્યું થયું. દા'એ વિચાર કર્યો કે હવે કોઈ પણ ઉપાય શેઠનું હૈયું ખાલી કરી નાંખવું જોઈએ. આજની રાતે એમણે પોતાનું ઘણુંખરું આયખું ગુમાવી દીધું છે. આ આંચકો જીવલેણ નીવડશે તેમ લાગે છે. પણ હજુ ય શેઠને ઉગારી લેવા જોઈએ.”
એટલામાં જ ચંપાના પાડોશીઓ તેનાં માસૂમ બાળકોને ત્યાં લઈ આવ્યાં. ત્રણે ય ધ્રુસકે ધ્રુસકે રડતાં હતાં. “બાપા! અમારી બા ક્યારે પાછી આવશે? અમારા બાપાને એ બોલવવા ગઈ છે તે હવે ક્યારે આવશે? બાપા, તમે જ એમને બોલાવી લાવોને! બાપાને ન આવવું હોય તો કાંઈ નહિ પણ બાને તો બોલવતા જ આવો.