________________
વિરાગની મસ્તી
૫૩
“મા’’ તું કેમ રડે છે! તારે બાપાને બોલાવવા ન જવું હોય તો ન જતી. એ તો એમની મેળે જ આવશે. પણ હવે રોઈશ નહિ.'' બાળકો માનાં આંસુ લૂછે છે, પણ આંસુની એ ધારે હવે વહી જવાનો જ સંકલ્પ કર્યો હતો.
ડૂસકાં ખાતાં ખાતાં ચંપાએ કહ્યું, “બેટા આજે જરૂર જઈશ હોં, તમારા બાપા ગયા છે ત્યાં. તમે શાંતિથી એકલા રહેશો ને?’’
“ના, ના, અમારે બાપાનું કાંઈ કામ નથી. અમે તને એ વાત કરી એટલે જ તું રોવા લાગી. મા, ઓ મા! બાપા તો આવશે ને આવશે જ પણ તું હવે રો' નહિ.''
અંધારું થવા આવ્યું હતું. માએ બાળકોની સામે જોયા જ કર્યું. ખૂબ ધરાઈ ધરાઈને જોયું. અંતર જોરથી બોલવા લાગ્યું; ‘ઓ પાપીણી! આ માસૂમ બાળકોને રઝળતાં મૂકીને મરવા તૈયાર થઈ છો! જા. જા. વિમળશેઠ પાસે, તારો ખોળો ભરાઈ જાય એટલા પૈસા આપશે.' પણ એ અવાજને અનુસ૨વા ચંપા લાચાર બની હતી. બાળકોને એક પછી એક છાતીસરસાં ચાંપ્યાં. ખૂબ ચૂમીઓ ભરી. અને પછી એમની સામે જોતી જોતી બારણા સુધી ગઈ. પગ ઊપડતા નથી. વાત્સલ્યની દોરડી એના પગે વીંટાતી જાય છે. એક આંટો, બીજો આંટો, ત્રીજો આંટો. ચંપાએ વિચાર કર્યો, આમ હૃદય પીગળી ગયે કામ નહીં ચાલે. કઠોર બન્યે જ છૂટકો છે. માને જતી જોઈને બાળકો છાતીફાટ રોઈ રહ્યાં છે. જ્યાં ઊઠીને મા પાસે આવવા પગ ઉપાડે છે ત્યાં જ હૃદયમાં ઊભી થયેલી કઠોરતાએ વાત્સલ્યના એ ત્રણેય આંટા એક જ ઝાટકે કાપી નાંખ્યા. ચંપા આગળ વધી. બારણે આવીને બૂમો પાડતાં, રોતાં-કકળતાં છોકરાં કુદરતના ખોળે સોંપાઈ ગયાં!
લાંબી હરણફાળ ભરતી એક મોટી આંધી દૂરદૂરના ગગનમાંથી ધસી આવી. ભયંકર વાવંટોળ ચારે બાજુથી દે દે કરતો તૂટી પડ્યો !
સૂ સૂ સૂ કરતો પવન પૂરપાટ વેગે ત્રાટક્યો... જે અડફેટમાં આવ્યાં ઝાડ પાનઉખેડીને ફેંકી દીધાં !
પળ બે પળમાં તો સમગ્ર વાયુમંડળમાં ઘમસાણ મચી ગયું!
પૃથ્વીમંડળ ધ્રુજી ઊઠ્યું... ધરતીના એ સળવળાટે પાંચ પચાસ હવેલીઓને ધ્રુજાવી મૂકી.. ધ્રૂજી ઊઠ્યાં મૂંગાં પશુઓ! રડી ઊઠ્યાં બાળકો! સ્તબ્ધ થઈ ગયા માનવો! એક બાજુ સુસવાટાના ઝપાટા દેતો પવન! બીજી બાજુ આભને અડતી ધૂળની ડમરીઓ ! ત્રીજી બાજા નાસભાગ કરતાં નિર્દોષ પશુઓની ચીચીયારીઓ !
પવન પાછી ફેંકતો હતો ચંપાને... ‘જા... જા... પાછી જા... તારા બાળકો