________________
૫o
વિરાગની મસ્તી
| [૭] દિવસો ઉપર દિવસો પસાર થાય છે. મહિના ઉપર મહિના બેસતા જાય છે. કાળ પોતાનું કાર્ય અનવરત ગતિએ કર્યે જાય છે. કાળનું મુખ્ય કાર્ય છે, નવાને જૂનું કરવાનું. સર્જનની પ્રથમ પળથી જ વસ્તુને વિસર્જનની તરફ દોરી જવાનું. જે સર્જાયું તેનું વિસર્જન તરત જ ચાલુ થવાનું. જે જન્મ્યો તે બીજી જ પળથી મોતના મુખ ભણી ચાલવાનો. જેનો જન્મ થયો તેનું મોત અફર. જન્મ એ જ ગુનો. મોત એ ગુનાની સજા! કાળ કહે છે, “મોતથી કાં ડરો! ડરવું હોય તો મોતનો કોરડો વીંઝવાનું અફર બનાવી દેનાર જન્મથી જ ડરો ! જન્મને મહોત્સવ માનશો તો તમારે મન મોત અમંગળ પળ બની જશે. અને જન્મને જ ત્રાસરૂપ માનશો તો આગામી મોત મંગળમય બની રહેશે. જન્મમરણની વચ્ચે ઝોલા ખાતું જીવન પણ દુઃખોના દવ વચ્ચે રહીને ય આ માન્યતાના દિવ્યથી, અપૂર્વ ઠંડકનો અનુભવ કરશે.”
વૃક્ષ ઉપરના લીલાં પત્તાંને પીળાં કરી કાળ માનવોને એ જ વાતની યાદ આપે છે.
કાચાં ફળને પાકાં કરીને ય એ જ વાતનો અણસારો કરે છે.
સાત માળની હવેલીને ખંડેર બનાવીને માનવોને એ જ વાતનું સ્મરણ કરાવે છે.
માથાના કાળા ભમ્મર વાળને ધોળા કરીને પણ ભાનભૂલ્યા માનવને ચૂંટી ખણીને જાગૃત કરવા કોશિશ કરે છે.
પણ સર્જનમાં જ મહાલતો, વિસર્જનના અફર કોરડાના ભાવિ મારને અવગણતો આ માનવ ભાન ભૂલી જાય છે. એક ઈંટ ઉપર બીજી ઈંટ ગોઠવતો જ રહે છે. ભ્રમની એ ગાઢ નિદ્રામાં પોઢેલા એને ઢંઢોળીને કો'ક જગવે છે તો જરા જાગે છે, પણ તે પળ-બે પળ; વળી પાછો પડખું ફરીને ઘસઘસાટ ઊંઘી જાય છે!
અબજો પાંદડાં પાકટ થઈને પડી ગયાં. અબજો ફળ ખરી ગયાં. અબજો પુષ્પો કરમાઈ ગયાં. અબજો ધોળા વાળ આવી ગયા. પણ... માનવો એનાં રહસ્યો ન પામી શકયા! કો'ક પાંચ-પચાસ માનવો સફાળા જાગ્યા અને વિસર્જનની એ