________________
વિરાગની મસ્તી
માણસની કેવી દશા હશે તે સંબંધી લખેલી વાતો નજરે ચડી. તેમાં લખ્યું હતું કે જે માણસનું વજન ભારતમાં ૧૫૦ રતલ હશે તે માણસનું વજન ઉત્તર ધ્રુવમાં તો કાંટો ૧૫૫ રતલ દેખાડશે, જ્યારે ચંદ્રલોકમાં ફક્ત ૨૫ રતલ વજન દેખાડશે. દા” તો વાંચતા જ ચમક્યા! છાપું હાથમાં રહી ગયું અને ચડી ગયા એ તો કો'ક વિચારે! જાણે બાવાજીએ સમાધિ લગાવી! પછી એકદમ તાળી દેતા બોલ્યા, તદ્દન સાચી વાત. પેલી સવારની જ વાત આવી. એક જ માણસમાં જુદાં જુદાં વિરોધી વજન સંભવે જ નહિ છતાં જુદી જુદી ભૂમિની સરખામણીમાં બેશક સંભવે. પછી તેમાં વિરોધ રહી શકે જ નહિ.
અરે! આ તો કેવી સીધી વાત છે? મદ્રાસના માણસ માટે નાગપુર ઉત્તરમાં છે છતાં કલકત્તાના માણસોની દૃષ્ટિએ તો નાગપુર દક્ષિણ દિશામાં જ છે ને?
આ નાકે આવેલી દુકાન મારા ઘરથી દૂર છે પણ કાશ્મીરની સરખામણીમાં તો સાવ નજીક છે અને કાશ્મીર ઘણું દૂર છે, પણ અમેરિકાની સરખામણીમાં તો કાશ્મીર પણ સાવ નજીક છે. અને અમેરિકા ઘણું દૂર છે, પણ એ અમેરિકા ય ચંદ્રલોકની સરખામણીમાં તો સાવ નજીક છે જ ને? લો કેવી વાત! એકની એક વસ્તુ દૂર પણ ખરી અને નજીક પણ ખરી! બે ય વિરોધી વાતો! હા. જરૂર. જુદી જુદી દૃષ્ટિથી એક જ વસ્તુમાં બે વાત મળી શકે છે, ત્યાં પછી વિરોધી કહેવાય જ નહિ. એક જ વસ્તુની દષ્ટિએ બે વાતો વિરોધી બની જાય તેમાં ના ન કહેવાય. નાકાની દુકાન કરતાં કાશ્મીર દૂર છે અને તે નાકાની દુકાન કરતાં કાશ્મીર નજદીક પણ છે એમ તો ન જ કહેવાય. હવે મારી ગડ બેઠી.
તો પછી આત્માની વાતમાં ય શું આમ જ હશે! લાવ તે ય વિચારું. આત્મા નિત્ય છે? હા. આત્માના સ્વરૂપનો કદી નાશ થતો નથી માટે તે નિત્ય છે. એટલે એના મૂળ સ્વરૂપની સરખામણીમાં તો આત્મા નિત્ય જ છે. તો શું અનિત્ય નથી? ના, એના મૂળ સ્વરૂપની સરખામણીમાં એ અનિત્ય નથી જ પણ એનામાં જુદા જાદા જન્માદિ લેવાની જે ક્રિયા થાય છે તેની સરખામણીમાં તે અનિત્ય પણ છે જ. દેવદત્ત મરી ગયો એટલે આત્મામાં દેવદત્ત તરીકેના જીવનની જે ક્રિયા ચાલતી હતી તે નાશ પામી ગઈ. એથી આપણે બોલીએ છીએ કે દેવદત્ત મરી ગયો. આમ આત્મા જુદી જુદી ક્રિયાવાળો બને છે, માટે અનિત્ય પણ છે. માટે જ જાની ક્રિયાનો નાશ થતાં જૂની ક્રિયાવાળો આત્મા નાશ પામ્યો અને નવી ક્રિયાવાળો આત્મા ઉત્પન્ન થયો એમ જરૂર કહી શકાય.