________________
વિરાગની મસ્તી
[૩]
એક વખત સુવર્ણગઢમાં કેટલાક સદ્ગૃહસ્થો આવ્યા. એમની રીતભાત ઉપરથી તેઓ શહેરી હોવાનું અનુમાન સહેલાઈથી થઈ શકતું હતું. આખું અંગ ખાદીના શ્વેત વસ્ત્રોથી ઢંકાયું હતું. માથે ખાદીની ટોપી, શરીરે ખાદીનો ઝભ્ભો અને ધોતિયું પણ ખાદીનું.
સુવર્ણગઢના કેટલાક જુવાનિયાઓએ તેમનું સ્વાગત કર્યું. એક જુવાને બીજાને ધીમે અવાજે કહ્યું, “આ લોકો છે તો ખાદીધારી પરંતુ લાગે છે તો શહેરી એટલે જરૂર વિજ્ઞાનવાદના નાદે ચડ્યા હશે; પશ્ચિમની સંસ્કૃતિ(!) ના ઝાકઝમાળે અંજાઈ ગયેલા પણ હશે જ.” દા'ની પાસે ઘડાયેલા આ વિદ્યાર્થીને આટલી કલ્પના કરવામાં જરાય વાર ન લાગી.
બધા એક પ્રાંગણમાં ખાટલા ઢાળીને બેઠા, અલ્પાહારનો વિધિ થયો. પછી એક શહેરી સગૃહસ્થ બોલ્યા, “આ તે કાંઈ તમારું ગામડું છે! સાવ ચોદમી સદીનું ! ભારતના નવનિર્માણ સાથે તમારે કશું ય અડતું-આભડતું નથી શું? આજે તો ગામડે ગામડાની રોનક બદલાતી જાય છે. તમારી આસપાસના બધાં ગામડાંમાં ‘લાઈટ’ આવી ગઈ અને તમારે ત્યાં હજુ પણ લાલટેન અને તેલના દીવડાઓ!”
સ્વસ્થ મને એક જુવાનિયો બોલ્યો, “ભાઈ, અમારે નથી જોઈતી એ લાઈટો. અમારા લાલટેન અને ઘર ઘરમાં ટમટમતા દીવડા જ અમને મુબારક હો.
તમે શહેરી લોકો અંતરના અંધકારને છુપાવવા માટે બહારની રોશનીઓ કરો છો અને કહો છો કે “હવે તિમિર ગયું અને જ્યોતિ પ્રકાશી' પણ બહારની એ રોશનીઓમાં, અંધારે પણ ન થઈ શકે એવાં કેટલાં કાળાં કામો થાય છે તે અમે
ક્યાં નથી જાણતા? અમારા જીવરામદા તમારી બધી વાતો જાણે છે અને ક્યારેક અમને ચેતવવા માટે કાંઈક કહે પણ છે હોં!''
આ તે તમારી લાઈટો કે જીવનના સંસ્કારને સળગાવી મૂકતા ભડકાઓ!
ભલે અમારાં ગામડાં અંધકારમાં આળોટતાં! અમે ભલે ચૌદમી સદીના પુરાણા જંગલી જીવ કહેવાઈએ, ભલે અમારું નવ નિર્માણ ન થતું હોય! અમને બધું ય કબૂલ-મંજૂર છે!”