________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિ સંસ્કારોની છેડતી ના કરો!!
દિવસ ઊગે છે આથમવા માટે જ! સવારનો સૂરજ પ્રગટે છે સાંજે ઢળવા માટે! રાતે ચાંદો નીકળે છે. સવારે ડૂબવા માટે!
પણ કો'ક દિવસ દાડમની કળી જેવો ઊઘડે છે. કો'ક દિવસ સોનેરી કિરણોને વેરે છે.
કો'ક ચાંદો ચાંદીના જેવો ચળકતો હોય છે! નવરાત્રિ તો વીતી જવાની! તમે કદાચ આ સાધના માટે સર્જાયેલા દિવસોને ખાવાપીવામાં ને હલ્લોગુલ્લો કરવામાં પૂરા કરી દેશો! તો તો... નાહ્યા પછી સરી પડેલા પાણીની જેમ બધું જ વહી જશે..તમે કોરા ધબ રહી જશો... આ દિવસો ખાણીપીણીની ઉજાણી કરવા માટે નથી! એક બીજાની સતામણી કરવા માટેના નથી! આ દિવસો છે સ્વસ્થ બનીને “સ્વ” ને શોધવા માટે દિવ્ય તત્ત્વની. કે પરમાત્માની કૃપા મેળવવા માટે!
સાંસ્કૃતિક પર્વોને વિકૃતિઓની વેવલી વળગણોમાં વીંખી ના નાંખો! સંસ્કૃતિને ચીંથરેહાલ બનાવી દેવાનું પાપ પ્રકૃતિ નહીં સાંખી શકે.. આમેય દેશમાં કે વિશ્વમાં ચારે બાજુ અશાંતિની આગ લબકારા લે છે ત્યારે સંસ્કૃતિને કદાય શણગારી ના શકીએ, પણ એના ચીરહરણના પાપમાં ભૂલેચૂકે ભાગીદાર ના બનતા!
દુનિયાને રીઝવવા જતાં જો પરમાત્મા રૂઠી ગયા તો? જગતને ખુશ કરવા જતાં જો જાત નારાજ બની જશે તો?
ના, એવું ના કરતા! પર્વોની પાછળનાં રહસ્યોને જાણો.. એના મહત્ત્વને સમજ... ગતાનુગતિકતામાં ગૂંચવાઈ ના જાવ! આનંદ-ઉલ્લાસ-નૃત્ય બધું બરાબર, પણ સંસ્કારોને સળગાવીને તો નહીં જ! જરા ઠંડા કલેજે વિચારજો! નવરાત્રિમાં જે કરો છો, જુઓ છો, એમાં સંસ્કારોને ઘસરકો તો નથી લાગતો ને? ઘસરકો ઘા બની જશે તો મુશ્કેલી ઊભી થશે!
સંસ્કારોને સાચવી રાખો! એક જીવંત આંદોલન ઉપાડીશું આપણે?
સંસ્કાર બચાવ! વિચાર પંખી
૯૧
For Private And Personal Use Only