________________
કારણ કે કોઈ પણ વ્યક્તિને રોજેરોજ એકએકથી ચડિયાતું વિશિષ્ટ તો નથી જ મળતું. જ્યાં પણ આજનું મળેલ વિશિષ્ટ, ગઈકાલે મળેલ વિશિષ્ટ કરતાં નબળું હોવાનું અનુભવાય છે ત્યાં મનની મસ્તીનું બાષ્પીભવન થઈને જ રહે છે.
એક વાત તને કહું?
મનને ભલે ઉત્તેજના જ ફાવે છે પરંતુ અંતઃકરણની પસંદગી તો કાયમ માટે પ્રશાંતતા જ રહી છે. મનને ભલે હિંમેશાં વિશિષ્ટનું આકર્ષણ જ રહ્યું છે; પરંતુ અંતઃકરણને તો સામાન્ય જ પસંદ રહ્યું છે.
તું જો તારા જીવનમાં સ્વસ્થતા અનુભવવા માગે છે અને મનની પ્રસન્નતાને સદા હાથવગી જ રાખવા માગે છે તો ઉત્તેજિત જ બન્યા રહેવાની મનની માગની ઉપેક્ષા કરવાની તાકાત કેળવીને જ રહે. જો એમાં તું નબળો પડ્યો તો યાદ રાખજે કે સ્વસ્થતા અને પ્રસન્નતા તારા શબ્દકોશના વિષય જ બન્યા રહેશે એ તો ઠીક પણ મોત સમયે પણ તારું મન કદાચ વિશિષ્ટ રીતે - શીર્ષાસન કરતાં કરતાં - મરવાની વાત કરીને તારી અંતિમ વિદાય પણ બગાડી નાખશે. સાવધાન!