________________
અરે, ગુંડો પથ્થરનો ઉપયોગ કોકનું માથું ફોડવામાં કરે છે. વાસનાલંપટ કોરા કાગળ પર વાસનાને ઉત્તેજિત કરતા શબ્દો ચીતરે છે. લબાડ જીભનો ઉપયોગ ગાળો બોલવામાં કરે છે.
આનો અર્થ ? આ જ કે સામગ્રી હાથમાં આવી જવા માત્રથી સારું પરિણામ મળી જાય છે એ મનની માન્યતામાં ઝાઝો દમ નથી. તો પછી સારું પરિણામ મેળવવા માટેનો વિકલ્પ કયો છે?
એનો જવાબ મેળવવા તારે જવું પડશે અંતઃકરણ પાસે. એની પાસે સ્પષ્ટ સમજ છે. પરિણામનો આધાર તમારી પાસે શું છે એના પર નથી; તમે શું છો, એના પર છે.'
સર્પને તમે દૂધ આપો છો. એનું રૂપાંતરણ એ ઝેરમાં કરી દે છે. ગાયને તમે ઘાસ આપો છો. એનું રૂપાંતરણ એ દૂધમાં કરી દે છે. લાયકને તમે અવળું આપો છો, એ સવળું કરી દે છે. નાલાયકને તમે સવળું આપો છો, એ અવળું કરી દે છે.
એટલું જ કહીશ તને કે મનની ચાલબાજીમાં તું ફસાતો નહીં. કારણ કે એ તને એમ જ સમજાવ્યા કરશે કે “સારો બની નથી શકતો કારણ કે મારી પાસે સારી સામગ્રી જ નથી. જ્યારે હકીકત એ છે કે તે તારી પાત્રતા વિકસિત કરી નથી અને એટલે તું સારો બની શક્યો નથી. સાવધાન!