________________
‘તું ચા પીએ છે ?” રોજની પાંચ કપ’
પાંચ કપ?" હા. અલબત્ત, આમ તો હું રોજની બે કપ ચા જ પીતો હતો; પરંતુ એક મહિના પહેલાં એક મહારાજ સાહેબનું વ્યાખ્યાન સાંભળ્યું ત્યારથી બે કપના પાંચ કપ કરી નાખ્યા છે”
વ્યાખ્યાન સાંભળીને ?
‘હા’
વ્યાખ્યાનમાં એવું તે શું આવ્યું...” મહારાજ સાહેબે એક વ્યાખ્યાનમાં એવું કહ્યું હતું કે “શરીર એ આપણું જાલિમ દુશ્મન છે' અને બીજા દિવસના વ્યાખ્યાનમાં એમ કહ્યું હતું કે ‘ચા એ તો ઝેર છે'
મેં નક્કી કરી લીધું વ્યાખ્યાન સાંભળીને કે શરીર એ જો દુશ્મન જ હોય તો એને ઝેર જ આપવું જોઈએ. બસ, એ દિવસથી મેં બે કપને બદલે ચાના પાંચ કપ પીવાના શરૂ કરી દીધા છે.”
બેટા! મારી તારી પાસે એક જ આશા છે' “પપ્પા! જે હોય એ કહી દો. આપની બધી જ આશાઓ હું પૂર્ણ કરીને જ રહીશ.' ‘જીવનમાં કામો તું એવા કરજે કે તારા આ બાપનું નામ રોશન થઈને જ રહે
પપ્પા ! એક વાત કહું?”
બોલ એ કામ તો હું અત્યારે કરી જ રહ્યો છું'
શી રીતે ?' જવાબ આપો. આપનું નામ રોશનલાલ છે ને?”
બસ, રોજ આપણાં ઘરના દરવાજા પર આપના નામની જે તકતી લગાડી છે એના પર લાઇટ હું જ કરું છું. આપનું નામ રોશન થતું જ રહે છે.'
તમે સાપને, વાઘને અને આગને સમજી શકો પણ મનને સમજવાની બાબતમાં તમને ક્યારેય સફળતા ન મળે. કારણ? એ દરેક પ્રસંગમાંથી અને દરેક વક્તવ્યમાંથી પોતાને ગમતો અને ફાવતો અર્થ જ કાઢતું રહે અને પોતાની અપેક્ષાની પૂર્તિ કરતું રહે.
તમે સાચા અર્થમાં જીવનને સાર્થક બનાવી દેવા માગો છો ? એક કામ કરો. મનને સમજાવવાની વાત પછી કરજો. પહેલાં મનને સમજી લો. એની ચાલબાજી, એની મુત્સદ્દીગીરી, એની જાતને બચાવતા રહેવાની હોશિયારી, એની યશની ભૂખ-મનના આ સ્વભાવને સમજી લીધા પછી મનને તમારે સમજાવવું નહીં પડે. અલ્પ પ્રયાસે એ તમારા વેશમાં આવી જ જશે.
દૂધ થકી જ જીવી શકતા બાબાને તમે દૂધ ન આપતા રમકડાં આપી દો અને બાબાની જે હાલત થાય, કંઈક અંશે એવી જ હાલત આજના યુવાધનની થઈ રહી છે. હૃદય કહો તો હૃદય અને લાગણી કહો તો લાગણી, એના જ સારે જીવનમાં પ્રસન્નતાને અનુભવી શકતા આજના સમસ્ત યુવાધનને હૃદયને બદલે મનને ચાલાક બનાવવાની કળા શીખવાડવામાં આવી રહી છે. લાગણીની ભીનાશને બુદ્ધિની રુક્ષતા દ્વારા સંપૂર્ણપણે સૂકવી નાખવાનાં સ્કૂલો અને કૉલેજોમાં જાણે કે અભિયાન શરૂ થઈ ગયા છે.
પરિણામ આજે આંખ સામે જ છે. બાળક જીવી રહ્યો છે, બાળપણ અને ભોળપણ એની પાસેથી ગાયબ છે. યુવક શક્તિશાળી બની ગયો છે, સંવેદનશીલતા અને હાર્દિકતા એની પાસેથી જાણે કે વિદાય લઈ ચૂક્યા છે ! શું સ્વીકારી લેવાય આ દુષ્પરિણામને?