________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તુચ્છ લાગ્યું!
હું અને સખી વસંતસેના, કૃષ્ણાતમાલના લતાકુંજમાં બેઠાં હતાં. નીલ આકાશનો રંગ આથમતા સૂર્યના રંગમાં રંગાઈ રહ્યો હતો. મારા પગ પર અલતાની ધારની જેમ ખીલી રહ્યો હતો. સ્વચ્છ જળથી ભરી ભરી તળાવડીમાં નીલ કુમુદિનીની પાંખડીઓ ખીલી હતી. સાંજના આકાશમાં કેટલાંક વાદળો ચાંદનીનો રસ્તો રોકીને નીલ કમુદિની સાથે રમત કરતાં હતાં. આ તરફ આકાશમાં વાદળીને જોઈને મારો પાળેલો મોર પીંછાં ફેલાવીને નાચવાની તૈયારી કરતો હતો. મારી સખી મારા પ્રભુનાં ગુણગાન કરતી હતી. મયૂર-ચન્દ્રિકા સાથે મારું હૃદય પણ તાલ મિલાવી રહ્યું હતું.
હું વિચાર્યા કરતી હતી – મહાવીર કેવા છે! કદાચ રક્ત કમલ જેવા.. નીલ કુમુદિની જેવી એમની આંખો... દૃષ્ટિ! અગત્ય ફૂલ જેવા તેમના બંકિમ હોઠ! કમલની દાંડી જેવા હાથપગ! સ્વર્ણાકાશ જેવું વિશાળ વક્ષસ્થળ! વસંતની કુહુ તાન જેવા ચંદ્ર-મધુર સ્વર એમના! મેંદીના ફૂલ જેવી દેહગંધ અને ચંપાના વૃક્ષ જેવી રક્તકોમલ કાયા!
ખરેખર હું વીર પ્રભુના પ્રેમમાં ખોવાયેલી રહી. નશામાં ઝૂમતી હોઉં તેમ હું વસંતસેનાના ખોળામાં ઢળી પડી. એણે મને લતાકુંજમાં સુવાડી દીધી. અલબત્ત હું બેભાન ન હતી. પણ કોઈ સ્વપ્નલોકમાં વિચરી રહી હતી. જ્યાં જોઉં ત્યાં વીર... મહાવીર.... વર્ધમાન... સર્વ વિશ્વ વીરમય.. પ્રેમમય... મધુમય બની ગયું.
મેંદીનાં ફૂલોની મહેંકથી આખું ઉપવન મઘમઘતું હતું. હવાની એક લહરી એવી આવી, તમાલનાં કેટલાંય પુષ્પો એકસાથે મારી ઉપર ઝરી પડ્યાં. એ જ લહરીમાં એક મયૂર-શિશુ આવીને મારી પાસે બેસી ગયું. મારા રોમાંચની કોઈ સીમા ન રહી. મારી સખીઐ મયૂર-શિશને મારા શયનકક્ષમાં મૂકી દીધું અને કહ્યું, હવે રાતભર તારા પ્રભુનાં કાવ્યો રચ્યા કરજે!
દરેક મનુષ્યના મનમાં કવિતા હોય છે! કોઈ એને લખે છે, કોઈ નથી લખતું. હું લખી નાખું છું. જ્યારે જે મનમાં આવે તે કવિતા બની જાય! ગુરુ અને પિતા કહેતા – હું વિદુષી છું. જ્ઞાનપિપાસુ છું. શાસ્ત્રોમાં પારંગત છું. ગણિત, સંગીત, ચિત્રકલા, પાકશાસ્ત્ર, પુષ્પસજ્જા, અતિથિસકાર વગેરે કેટલીય વિદ્યાઓમાં નિપુણ થઈ ગઈ. પણ કવિતા લખવાની ધૂન હતી એટલે એ સ્વયં શીખતી ગઈ.
સુલાસા
For Private And Personal Use Only