________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સને
વૈશાલી!
મહાપરાક્રમી મહારાજા ચેટકની સમર્થ અને સંપન્નનગરી! લાખો કુશળ યોદ્ધાઓની નગરી! અનેકવિધ કલાકારોની નગરી! એ નગરીના પ્રાસાદો અને મંદિરના કળશો આકાશને આંબતા હતા. નગરને પોતાના રૂપેરી પાણીથી આલિંગન દેતી સરયૂ મંદ મંદ વહેતી હતી. આજુબાજુ ત્રણ-ત્રણ યોજન સુધી પથરાયેલા ઊંચા ઊંચા પ્રાસાદો, ગોશાળા, અશ્વશાળા, હસ્તીશાળા, મંદિરો અને વ્યાયામશાળાથી આ નગરી ઊભરાતી હતી.
મહારાજા ચેટકનો સંપૂર્ણ રાજમહેલ શ્વેત સંગેમરમરના આરસથી બાંધેલો હતો. એની સીમાને શ્યામ પાષાણથી જડી દીધી હતી. શ્યામ સીમાની વચ્ચે આ શ્વેત રાજમહેલ કેવો લાગતો હતો! જાણે કાળી માટીની ગોળીમાં ઠસોઠસ ભરેલો માખણનો પિંડો! આ મહેલને અનેક ખંડ હતા. વચમાં ગોળાકાર પાણીનું તળાવ હતું. એમાં અસ્ત થતા સૂર્યદેવનાં અસંખ્ય કિરણો સ્વેચ્છાએ વિહાર કરતાં હતાં. રંગીન માછલીઓ અને શ્વેત તથા ઉન્નત ગ્રીવાવાળા રાજહંસો કિલ્લોલ કરી રહ્યા હતા. શ્વેત અને નીલકમલો વાયુની લહરીથી અહીંતહીં ડોલતાં હતાં. તળાવને ચારે ખૂણે શ્વેત પાષાણમાંથી કોતરેલી સિંહની આકૃતિઓ હતી. સામે રાજમહેલમાં જવા માટે ચડવાનાં કુલ એકસો ને આઠ પગથિયાં હતાં.
વિશાળ રાજમંદિર અનેક મહેલોથી શોભતું હતું. મહેલના પ્રત્યેક થાંભલા પર સુંદર નકશીકામ કોતરવામાં આવ્યું હતું. પ્રત્યેક થાંભલો અખંડ પથ્થરથી ઘડાયેલો હતો. મહેલની ભીંતો ઉપર મહારાજા ચેટકના પૂર્વજોના જીવનપ્રસંગોનાં અનેક સુંદર ચિત્રો આલેખવામાં આવ્યાં હતાં. અનેક સ્થળે યોદ્ધાઓનાં સુંદર શિલ્પો વિભિન્ન મુદ્રામાં કંડારેલાં હતાં. ઠેકઠેકાણે કાષ્ઠનાં પિંજરામાં મયૂર, કોયલ, કપોત, ભારદ્વાજ આદિ પક્ષીઓ જાતજાતનાં અવાજ કરતાં હતાં.
સુલતા
૧૦૧
For Private And Personal Use Only