________________
સત્તા પરિવર્તનથી નહીં, સમાજ પરિવર્તનથી
વ્યવસ્થામાં સુધારા થશે. - હિન્દુજાગરણ મંચના સંગઠન મંત્રી સુમનકુમાર
રાજસ્થાન પત્રિકા તા. ૧૧/૦૦
વાત એકદમ સાચી છે પણ દાતરડા જેવો પ્રશ્ન એ છે કે સમાજના સમ્યક્ પરિવર્તનને સત્તા સાનુકૂળ પ્રતિસાદ આપવા તૈયાર રહેશે ખરી ? દા.ત., સમાજ ઇચ્છે છે કે બાળકોને નાની વયથી જ સંસ્કારોનું શિક્ષણ મળવું જોઈએ. સત્તા એમાં વચ્ચે તો નહીં આવે ને? સમાજ ઇચ્છે છે કે પરિવાર વ્યવસ્થા જળવાઈ રહેવી જ જોઈએ. સત્તા એમાં સહાયક બનવા તૈયાર થશે ખરી? સમાજ ઇચ્છે છે કે યુવાપેઢી મર્યાદાશીલ રહેવી જ જોઈએ. સત્તા એવું વાતાવરણ સર્જવા તૈયાર થશે ખરી? સમાજ ઇચ્છે છે કે આ દેશ પાસે રહેલ સંસ્કારોનો અને સભ્યતાનો ભવ્યતમ વારસો જળવાઈ રહેવો જ જોઈએ. સત્તા એમાં સહયોગ આપવા તૈયાર થશે ખરી ? એક વાત ખાસ સમજી રાખજો કે તરવૈયાની તરવાની શક્તિ ગમે તેટલી જોરદાર હોય છે પરંતુ પ્રવાહશક્તિ જો વિપરીત હોય છે તો અચ્છામાં અચ્છો તરવૈયો પણ થાકી જાય છે. બસ, એ જ ન્યાયે સમ્યક્ પરિવર્તનની સમાજની અભીપ્સા ભલેને ગમે તેટલી જોરદાર હોય છે પરંતુ સત્તાના નિર્ણયો જો એ પરિવર્તનના વિરુદ્ધના હોય છે તો તાકાતવાનમાં તાકાતવાન સમાજ પણ થાકી જાય છે, હતાશ થઈ જાય છે, નાસીપાસ થઈ જાય છે. આનો કોઈ વિકલ્પ?