________________
સિગરેટનાં પૅકેટો પર ખતરાની સચિત્ર ચેતવણી છાપવાનો નિર્ણય મુલતવી રહ્યો
હિન્દુસ્તાન : તા. ૨૪/૫/૦૭
આ દેશના સંવિધાનમાં સ્પષ્ટ લખ્યું છે કે દારૂની દુકાનો જેટલી ઓછી થાય તેટલી ઓછી કરતા જ જવી અને ક્રમશઃ આ દેશમાંથી દારૂને સર્વથા દેશવટો આપી દેવો. પણ કોણ માને છે સંવિધાનનું? કેટલાંય રાજ્યો આ દેશમાં એવા છે કે તેઓ પોતાના રાજ્યનાં તમામ વિકાસકાર્યો દારૂની આવકમાંથી જ કરી રહ્યા છે ! તમ્બાકુ કૅન્સરનું વાહક છે એવું જગજાહેર છે અને છતાં એની બનાવટ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવા સરકાર તૈયાર નથી. પેટ્રોલમાં ઘાસતેલની ભેળસેળ કરનારને અહીં જેલ મળે છે અને યુવાનપેઢીને અકાળે સ્મશાને ધકેલી દેતી તમ્બાકુની બનાવટના ધૂમ વેપાર આડે સરકાર આંખમીંચામણાં કરી રહી છે ! કારણ ? સરકારને ‘આવક માં રસ છે. તમારે તપાસી લેવું હોય તો તપાસી લેજો. પ્રજાના આરોગ્ય સાથે ચેડાં કરતાં દારૂ, સિગરેટ, ગુટખા, બીડી વગેરે એક પણ દ્રવ્યના વેચાણ પર સરકારે લાલ આંખ કરી હોય એવું તમને જોવા નહીં મળે. પ્રજાની ‘જાવક થાય એનો વાંધો નહીં. પૈસાની ‘આવક’ તો થાય જ છે ને ?