________________
મોટા માણસોના જયજયકાર માટે નાનાં બાળકોની પરેડ અનુચિત
દૈનિક ભાસ્કર: તા. ૮/૬૦૦
સાઇકલ ભાડે મળે, ટ્રક ભાડે મળે, ગાડી ભાડે મળે, વિમાન ભાડે મળે, વાડી ભાડે મળે, ફાર્મ હાઉસ ભાડે મળે, વાસણ ભાડે મળે, કપડાં ભાડે મળે, હોટલ ભાડે મળે. આ બધું તો સમજાય છે; પરંતુ રાજકારણીઓ પાસે તો એવી વ્યવસ્થા હોય છે કે જેમાં તેઓ માણસો ભાડેથી મેળવી લેતા હોય છે. એમની સભામાં હાજરી દેખાતી હોય પાંચ લાખની પણ બને એવું કે એમાં પોણા પાંચ લાખ લોકોને ભાડું આપીને એકઠા કરવામાં આવ્યા હોય ! આવા જ પ્રકારની એક વિકૃત વ્યવસ્થા હમણાં હમણાં અસ્તિત્વમાં આવી છે. મોટા માણસોની સભામાં એમની ખુશામત કરવા નાનાં નાનાં સ્કૂલો વગેરેનાં બાળકોને બોલાવવાના, કલાકો સુધી એમને તડકામાં ઊભા રાખવાના, એમને ચોક્કસ સમયે તાળીઓ પાડવા મજબૂર કરવાના અને પ્રોગ્રામ પતી જાય એટલે ભૂખ્યા-તરસ્યા એમને એમનાં સ્થાન પર રવાના કરી દેવાના !
ક્યારેક ક્યારેક તો આવા તમાશામાં બાળકો બેભાન પણ બની જતા હોય તો એના આડે ય આંખમીંચામણાં કરવાના ! રે રાજકારણ ! તું આટલું ગંદું ?