________________
ભારતમાં વાઘ ક્યાંક ફોટામાં જ ન રહી જાય !
હિન્દુસ્તાન : તા. ૨૪/૫/૦૦
વાઘની વાત તો બહુ દૂર છે. રસ્તા પર ગાયનાં દર્શન હવે દુર્લભ થઈ રહ્યા છે. ઘોડા લગભગ ગાયબ થઈ ગયા છે. ખેડૂતોના ખેતરમાં આવી ગયેલાં ટ્રેક્ટરોએ બળદોને કતલખાનાંમાં ધકેલી દીધા છે. કૂતરાઓના ભસવાના કારણે માણસોની ઊંઘ બગડી રહી છે અને એટલે હડકાયા બની ગયેલ માણસોએ મ્યુનિસિપાલિટી પર કૂતરાઓને મારી નાખવાની અરજીઓ રવાના કરવા માંડી છે. ડુક્કરોની રસ્તા પર સંભળાતી ચીસો સહુને કોઠે પડી ગઈ છે. સસલાઓ લગભગ જોવા મળતા નથી. ભેંસો બહુ મોટી સંખ્યામાં કતલખાનાંઓની શોભા [2] માં અભિવૃદ્ધિ કરી રહી છે. બિલાડી લગભગ કવિતામાં રહી ગઈ છે. નીલ ગાયોને ખતમ કરી નાખવાના ફતવાઓ સરકારે બહાર પાડી દીધા છે. આ સ્થિતિમાં બહાદુર ગણાતો વાઘ ભુલાઈ રહ્યો હોય, કપાઈ રહ્યો હોય અને ભુંજાઈ રહ્યો હોય તો એમાં નવાઈ શી છે? માનવ ! પરમાત્મા બનવાનું હતું તારે અને તું આ શેતાનિયત અપનાવી બેઠો? એમ લાગે છે કે તને માનવ બનાવીને કુદરતે પશુજગત પર ઘોર અન્યાય કરી દીધો છે!