________________
એકલવાયાપણું હતાશાનું મોટું કારણ
હિન્દુસ્તાન : તા. ૨૬/૦૭
સર્વક્ષેત્રીય વ્યવસ્થા જ આજે એવી ગોઠવાઈ રહી છે કે જેમાં માણસને પરિવારથી અલગ થતાં જ રહેવું પડે. શિક્ષણની વ્યવસ્થા જ પકડો. બાળકોને સ્કૂલે જવાનો સમય જ એવો થઈ ગયો છે કે જેમાં એને વધુ ને વધુ સમય મા-બાપથી દૂર જ રહેવું પડે. સ્કૂલ પછી પાછા એને લમણે ટ્યૂશન ઝીંકાયા છે. થોડોક એ ભણીને તૈયાર થાય એટલે વધુ ભણવા માટે એ હૉસ્ટેલમાં ધકેલાય છે. વધુ અભ્યાસાર્થે એ પરદેશમાં રવાના થાય છે. ત્યાંથી ભણી-ગણીને અત્રે આવે છે પછી જોબ કરવા એને પરિવાર સાથે રહેવાની વૃત્તિને ગૌણ કરવી પડે છે. લગ્ન કર્યા પછી એની પત્નીને ય જોબ કરવા ક્યાંક જવું પડે છે. એ બાળકનો બાપ બને છે તો ય બાળકને પર્યાપ્ત સમય એ આપી શકતો નથી. ટૂંકમાં, ગામ આખા સાથે વાતો કરવાનો, સંપર્કમાં રહેવાનો અને સંબંધ બાંધવાનો એને સમય મળે છે, એને સમય કાઢવો જ પડે છે. માત્ર પોતાના પરિવાર સાથેનો એનો સંપર્ક તૂટતો જાય છે અને છેલ્લે, વૃદ્ધાશ્રમમાં જઈને પોતાની જિંદગીના શેષ રહેલા શ્વાસ પૂરા કરીને, હતાશ થઈને આ જિંદગીમાંથી એ રવાના થઈ જાય છે.