________________ વાક્યના ગર્ભમાં રહેલ રહસ્યોનું ઉદ્ઘાટન દારૂ સેવનના નુકસાનના અનુભવ પછી ય દારૂડિયો જ્યારે દારૂ પીવા દોડે છે ત્યારે આપણને એની આ બાલિશતા પર દયા આવી જાય છે. ક્રોધ સેવન પછી દુ:ખી થવા છતાં ય ક્રોધાંધ વ્યક્તિ જ્યારે પુનઃ ક્રોધ કરવા તૈયાર થઈ જાય છે ત્યારે આપણને એની આ બેવકૂફી પર હસવું આવી જાય છે. પરંતુ જીવનમાં સંખ્યાબંધ ભૂલો કર્યા પછી, એ ભૂલોનાં નુકસાનો અનુભવ્યા પછી ય આપણે એની એ જ ભૂલો જ્યારે દોહરાવવા તૈયાર થઈ જઈએ છીએ ત્યારે શિષ્ટ પુરુષો આપણી આ મૂર્ખાઈ પર ભારે વ્યથા અનુભવતા હોય છે. ઉપદેશ સાંભળ્યા પછી ય આપણે કદાચ ન સુધરીએ એ બને, ઉદાહરણ જોયા પછી ય આપણે ન સુધરીએ એ પણ બને પણ, અનુભવ થયા પછી ય જો આપણે સુધરવા તૈયાર નથી તો પછી આપણે સુધરશું ક્યારે ? અનેક વ્યક્તિઓના અનેક વખતના અનુભવોના અર્કરૂપે સર્જાયેલ કહેવતો પરનું આગવું વિવેચન એટલે જ વાત કરો છો?” અહીં કેટલાંક ઉપદેશાત્મક, કેટલાંક સંદેશાત્મક, કેટલાંક વ્યંગાત્મક, કેટલાંક અનુભવાત્મકે, કેટલાંક તથ્યાત્મક વાક્યો પર મેં મારા મંદક્ષયોપશમાનુસાર વિવેચન કર્યું છે. અલગ અલગ પુસ્તકોમાં વાંચવામાં આવેલ આ વાક્યો પોતાના ગર્ભમાં ગજબનાક રહસ્યો સંઘરીને બેઠા હોય એવું મને લાગ્યું અને મને એના પર કલમ ચલાવવાનું મન થઈ ગયું. એમાંથી સર્જાયું આ લખાણ. સાવ નાનકડું અને મામૂલી લાગતું એક વાક્ય આપણને વિચારતા કરી મુકે એવા રહસ્યો જ્યારે આપણી સમક્ષ રજૂ કરી દે ત્યારે આપણા મુખમાંથી શબ્દો સરી પડે કે ‘શું વાત કરો છો ?" બસ, એ હિસાબે જ આ લખાણના સંગ્રહનું નામ રાખ્યું છે, શું વાત કરો છો ?" પુસ્તકના આ લખાણમાં ક્યાંય પણ શ્રી જિનાજ્ઞા વિરુદ્ધ લખાણ થઈ ગયું હોય તો હું એનું અંતઃકરણપૂર્વક ત્રિવિધ ત્રિવિધ મિચ્છા મિ દુક્કડું માગું છું. દ. આચાર્ય વિજય રત્નસુંદરસૂરિ