________________
સાકર પીરસનાર ઘણાં, કડવો અક્ષર કહેનાર કોક
વિપિન પરીખની આ પંક્તિઓઃ વારાફરતી. લાલ, પીળી, લીલી, લીલી પીળી લાલ સિગ્નલની લાઇટ લાલ આંખો પિતાની. કહે છે, થંભી જા. ક્યાં જાય છે? ઊભો રહે’ થોડી જ ક્ષણ... પણ મન...કેટલી આવન જાવન ! પોલીસ, શિક્ષા, નીતિ, નિયમ, ભય... તરત સિનું બદલાય છે. માની આંખો જાણે પ્રેમથી પંપાળીને કહે છે. ‘જા બેટા. જોજે સંભાળીને ચાલજે' હું રસ્તો ઓળંગું છું.
પથ્થરને નકામા માણસોનો ભેટો તો કદાચ રોજ જ થતો હોય છે પરંતુ શિલ્પીનો ભેટો થઈ જવાનું સદ્ભાગ્ય તો કદાચ એના જીવનમાં એકાદ વખત પણ આવતું હશે કે કેમ એ પ્રશ્ન છે.
પુષ્પ સૌંદર્યપ્રેમીઓના હાથમાં તો ક્યારે નથી જઈ ચડતું એ પ્રશ્ન છે પણ કોક પ્રભુભક્તના હાથમાં જઈ ચડવાનું સદ્ભાગ્ય તો એને કવચિત જ પ્રાપ્ત થતું હશે.
મસ્કાબાજી કરનારા, મીઠા મીઠા શબ્દો સંભળાવતા રહીને આપણને ખુશ રાખનારા, ખુશામત કરતા રહીને આપણને અભિમાનના ગગનમાં ઊડતા રાખનારા તો દિવસ દરમ્યાન અને જીવન દરમ્યાન કેટકેટલા લોકો આપણને મળતા જ રહેતા હોય છે પરંતુ આપણા જીવનને નિખાર આપી શકતા, આપણો અહંના ફુરફુરચા ઉડાવી શકતા, આપણી નબળાઈઓને ખુલ્લી કરી દઈને આપણે ક્યાં ઊભા છીએ એનું વાસ્તવિક ભાન કરાવી દેતા શબ્દો સંભળાવનાર આપણને કોઈ મળે છે કે કેમ
એમાં ય શંકા છે તો સદ્ભાગ્યથી કોક મળી પણ જાય છે તો ય આપણને એ ગમે છે કે કેમ એમાંય શંકા છે.
જવાબ આપો.
પથ્થરને શિલ્પી ન મળે તો એ ટાંકણાનાં માર ખાવાથી બચી જાય એ એનું સદ્ભાગ્ય કે પ્રતિમા બનતો એ અટકી જાય એ એનું દુર્ભાગ્ય ? અગ્નિપ્રવેશજન્ય પીડાથી સુવર્ણ બચી જાય એ એનું સદ્ભાગ્ય કે શુદ્ધિના ગૌરવને પામતું એ અટકી જાય એ એનું દુર્ભાગ્ય ? હિતશિક્ષાના કઠોર શબ્દો સાંભળવાથી આપણો અહં સચવાઈ જાય એ આપણું સદ્ભાગ્ય કે આત્મવિકાસની સંભાવના પર પૂર્ણવિરામ મુકાઈ જાય એ આપણું જાલિમ દુર્ભાગ્ય?
યાદ રાખજો ,
જે પણ આત્મા સાચી પણ વાતો, હિતકારી પણ વાતો કઠોર પણ શબ્દોમાં, કટુ પણ શબ્દોમાં સાંભળવા માનસિક સ્તરે સજ્જ નથી હોતો એ આત્મા પોતાના હિતને સાચવી લેવામાં, સંભાળી લેવામાં સફળ નથી જ બનતો.
એટલું જ કહીશ કે પથ્થર ભલે શિલ્પીને શોધી નથી શકતો, પુષ્પ સામે ચડીને ભલે ભક્ત પાસે નથી જઈ શકતું, સુવર્ણ સામે ચડીને ભલે અગ્નિને સમર્પિત નથી થઈ શકતું પરંતુ આપણે જો ઇચ્છીએ છીએ તો આપણા આત્મવિકાસમાં સહાયક બનતા કઠોર શબ્દો બોલનાર હિતસ્વીઓ આપણે શોધી શકીએ તેમ જ છીએ.
આવો,
આજથી એ દિશામાં કદમ માંડવા તૈયાર થઈ જઈએ. પગની પીડા થતી હોય છે તો ય હાથ જો પગમાં ઘૂસી ગયેલ કાંટાને કાઢીને જ રહે છે તો મનને થતી પીડાની પરવા કર્યા વિના કઠોર શબ્દો સાંભળતા રહીને આત્મકલ્યાણ અકબંધ કરી દઈએ.