________________
વાંકા ચન્દ્રને સૌ નમે
કોક અજ્ઞાત લેખકની આ પંક્તિઓ: યુધિષ્ઠિરો બધાય આંધળા થઈ ગયા છે. ધૃતરાષ્ટ્રો બધાય દેખતા થઈ ગયા છે. કૃષ્ણ બધાય કારાવાસમાં કેદ છે. કંસોનો જયજયકાર થઈ રહ્યો છે. અર્જુનો બધાય વ્યંઢળ થઈ ગયા છે. દુર્યોધનો મર્દ બનીને ફરી રહ્યા છે. દ્રૌપદીઓ નિર્વસ્ત્ર થઈ રહી છે. પૂતનાઓ સજી સજીને ધૂમી રહી છે. સત્યવાદી હરિશ્ચન્દ્ર સ્મશાનમાં બળી રહ્યા છે. ચાંડાલો મહેફિલમાં મોજ કરી રહ્યા છે. હર્વ અસત્યનો નાશ કરવા ન સત્યનો જયજયકાર કરવા કોઈ ગાંધી જન્મ લેવાનો નથી.
સંદેશ સ્પષ્ટ છે. દુર્જનતા જીતી રહી છે, સજ્જનતા હારી રહી છે. સરળતા માર ખાઈ રહી છે, વક્રતા વિજેતા બની રહી છે. સત્ય કારાવાસમાં કેદ થઈ રહ્યું છે. જૂઠ જગતના મેદાનમાં દાંડિયારાસ રમી રહ્યું છે. નાગાઈના સન્માન થઈ રહ્યા છે, પવિત્રતા એક ખૂણામાં ધકેલાઈ ગઈ છે. બીજનો વાંકો ચન્દ્ર સહુના નમસ્કાર ઝીલી રહ્યો છે. પૂનમનો અખંડ ચન્દ્ર આકાશમાં એમ ને એમ ઊભો છે. પુષ્પને સહુ કચડી રહ્યા છે, કાંટાઓ સર્વથા સલામત ઊભા છે.
પણ સબૂર !
આનો અર્થ એ નથી થતો કે ગલતની જીત એ અંતિમ જીત છે. ના, લડાઈમાં ગલત વિજેતા બની શકે છે પરંતુ યુદ્ધમાં જીત તો સમ્યની જ થાય છે. ગલત જીતતું જીતતું ‘સેમી ફાઇનલ’ સુધી આવી પણ જાય છે કદાચ તો ય ફાઇનલમાં વિજેતા તો
સમ્યફ જ બને છે.
વાંચ્યું છે આ અંગ્રેજી વાક્ય ? If you would like to win the war, you lose the battle. જો તમે યુદ્ધ જીતવા માગો છો તો લડાઈમાં હારી જવા તૈયાર રહો.
પણ, ખરી મુશ્કેલી એ છે કે માણસ લડાઈ અને યુદ્ધ વચ્ચેનો તફાવત જ સમજી શકતો નથી. કદાચ કહેવું હોય તો એમ પણ કહી શકાય કે માણસ લડાઈની જીતને યુદ્ધની જીત જ માની બેઠો છે.
અનીતિના માર્ગે પૈસા મળી જાય છે અને એને એમ લાગે છે કે પૈસા કમાઈ લેવા માટે અનીતિનો માર્ગ એ જ શ્રેષ્ઠ માર્ગ છે. કાવાદાવાના રસ્તે સફળતા મળી. જાય છે અને એ એમ માની બેસે છે કે સફળતા મેળવવા કાવાદાવાનો રસ્તો એ જ શ્રેષ્ઠ રસ્તો છે. ધાકધમકી આપવાથી ફસાયેલ રકમ હાથમાં આવી જાય છે અને એના મનમાં આ વાત સ્થિર થઈ જાય છે કે ધાકધમકી એ જ પૈસા પાછા લાવવાનો શ્રેષ્ઠ રસ્તો છે. - ટૂંકમાં કહેવું હોય તો એમ કહી શકાય કે સફળતાના પ્રથમ હાસ્યને જ એ અંતિમ હાસ્ય માની લે છે. પણ વાસ્તવિકતા એ છે કે પ્રથમ હાસ્ય એ તો લડાઈમાં મળતી જીત જેવું હોય છે. લડાઈની જીત યુદ્ધની જીત પણ બની જ રહે એવું કદાચ બાહ્ય યુદ્ધમાં બનતું પણ હશે પરંતુ આભ્યત્તર જગતનું સત્ય તો આ જ છે કે પુણ્યના સહારે કદાચ ગલતની લડાઈઓ જીતી જવામાં સફળતા મળી પણ જાય પણ અંતિમ યુદ્ધમાં તો ગલતની હાર અને સમ્યની જીત જ નિશ્ચિત છે. છેલ્લી વાત.
સત્તા-સંપત્તિ-સમૃદ્ધિ-સામર્થ્ય કદાચ ગલતના રસ્તે પણ મળી રહે છે પરંતુ શાંતિ-સમાધિ-સદ્ગુણો અને સદ્ગતિ તો સમ્યક રસ્તે જ સુલભ છે.