________________
વ્યાજ ભલભલાની લાજ ભૂલાવે
કોક અજ્ઞાત લેખકની આ પંક્તિઓ : ‘લ્યો, માણસ મોટો થયો. પૂછો, કેટલો ? ડાયાબિટીસ,
બ્લડ પ્રેશર, કોલસ્ટ્રોલ, એટેક ને એસિડિટીને એક સામટાં સમાવી શકે એટલો !
હા. ભૂત જેને વળગ્યું હોય છે એને તો રાઈના મંત્રેલ દાણાઓથી દૂર કરી શકાય છે પરંતુ જેને લોભનું ભૂત વળગ્યું હોય છે એને તો પ્રભુનાં વચનો પણ દૂર કરી શકે કે કેમ એમાં શંકા છે.
લોભના ભૂતનો માણસ શિકાર બની ચુક્યો છે એ જણાય શી રીતે ? એમ જો તમે પૂછતા હો તો એનો સામાન્યથી જવાબ આ છે કે જેનું મન એમ કહે છે કે આપણી પાસે પૈસા તો ચિક્કાર [MORE MONEY] જ હોવા જોઈએ. એ ચિક્કાર પૈસા પણ આપણી પાસે તુર્ત જ આવી જવા જોઈએ (INSTANT MORE MONEY] અને ચિક્કાર પૈસા બનાવવા માટે રસ્તા ગમે તે પકડવા પડે, આપણે તૈયાર જ છીએ (ANY HOW MORE MONEY].
ટૂંકમાં, ચિક્કાર પૈસા, તુર્ત ચિક્કાર પૈસા અને ગમે તે રસ્તે ચિક્કાર પૈસા, આ ત્રણ વૃત્તિએ જેના મનનો કબજો લઈ લીધો હોય, એના માટે એમ કહી શકાય કે લોભ નામના ભૂતે એના જીવન પર કબજો જમાવી જ લીધો છે.
બસ, આ લોભ પોતાનું તળિયા વિનાનું ખપ્પર પૂરવા જે જાતજાતના રસ્તાઓ અપનાવે છે. એમાંનો એક રસ્તો એટલે જ પૈસા વ્યાજે લેવા. ‘આપણી પાસે મૂડી ૫૦
લાખની જ છે ને ? એમાં કમાણી કેટલી થાય? લઈ આવીએ ગામ પાસેથી ૫ કરોડ. આપી દેશું આપણે એનું વ્યાજ, પણ એ જંગી મૂડી પર જે કમાણી થશે એ તો આખો જન્મારો સુધારી દેશે.'
પણ,
જેમ જીવનનો કોઈ ભરોસો નથી તેમ કર્મોનો ય ક્યાં કોઈ ભરોસો છે? કોઈ પણ પળે કર્મ રૂઠી જાય અને મનની બધી જે ગણતરીઓ ઊંધી પડી જાય. ઉઘરાણી ડૂબી જાય. મંદીના કારણે માલનો ભરાવો થઈ જાય. અન્ય વેપારીઓનો વિશ્વાસ ઊઠી જાય. જેની પાસેથી રકમ લીધી હોય એની પઠાણી ઉઘરાણી ચાલુ થઈ જાય, જાતજાતની ધમકીઓ મળવા લાગે. ઊંઘ રવાના થઈ જાય, મન હતાશ બની જાય, કોઈ રસ્તો સૂઝે નહીં. અને ક્યારેક જીવન ટૂંકાવી દેવાના રસ્તે મન વળી જાય.
નીતિવાક્ય એમ કહે છે કે “જેના શિરે એક પણ પૈસાનું દેવું નથી એ માણસ જ શ્રીમંત છે” આજનું અનર્થ શાસ્ત્ર એમ કહે છે કે જેની પાસે ગામનો ચિક્કાર પૈસો છે એ માણસ જ શ્રીમંત છે !
નજર નાખી જુઓ તમે વેપાર જગતમાં. એક પણ વેપારી પ્રાયઃ તમને એવો જોવા નહીં મળે કે જેની પાસે ગામના પૈસા નહીં હોય ! આવા ઉધાર પૈસાથી જાતને શ્રીમંત માની રહેલા માણસો પાસે બે જ ચીજ બચતી હોય છે, સજ્જન હોય તો ચિંતા અને દુર્જન હોય તો નિર્લજ્જતા ! ચિંતાગ્રસ્ત સજ્જન વ્યાજ ચૂકવવા બીજા પૈસા વ્યાજે લીધે રાખે છે અને સમગ્ર જીવન ચિંતામાં ને ચિંતામાં પૂરું કરી દેતો હોય છે જ્યારે નિર્લજ્જ દુર્જન હાથ ઊંચા કરીને ગામ આખાને રોવડાવતો રહે છે. રે કરુણતા