________________
દેડકાને મન, દરિયો જ નથી
એક વાતનો ખ્યાલ છે?
કરૂપ વ્યક્તિ દર્પણની દોસ્તી કરવા તો રાજી નથી જ હોતી પરંતુ દર્પણ પાસે જવા પણ એ તૈયાર નથી હોતી. કારણ કે એને બરાબર ખ્યાલ હોય છે કે દર્પણની દોસ્તીમાં પોતાના રૂપના અહંની સ્મશાનયાત્રા જ નીકળી જવાની છે.
રોગી હોવા છતાં પોતાની જાતને નીરોગી માની બેઠેલ વ્યક્તિને તમે મફતમાં ઍક્સ-રે કઢાવવા લઈ જવામાં ય સફળ બની શકવાના નથી કારણ કે એને બરાબર ખ્યાલ હોય છે કે એંસ-રે મશીન મારા નીરોગી હોવાના દંભને ચીરી નાખ્યા વિના રહેવાનું જ નથી.
બસ,
આ જ હાલત હોય છે અહંકારીની. જે પણ ક્ષેત્રમાં પોતાના કરતાં જે પણ વ્યક્તિ આગળ હોય છે એની સાથે દોસ્તી કરવા કે એની સાથે હળતાં-મળતાં રહેવા એ ક્યારેય રાજી હોતો નથી. કારણ? એ વ્યક્તિની દોસ્તીમાં પોતાનો અહં-સાગરમાં જેમ મીઠું ઓગળી જાય છે તેમ - ઓગળી જ જવાનો છે એનો એને સ્પષ્ટ ખ્યાલ હોય
સુરેશ દલાલની આ પંક્તિઓ :
અહમને વાતે વાતે વાંકું મૂરખ એના જખમ કેટલા ? કેમ કરીને ટાંકું ?
એનો ફાંકો ને ફિશિયારી
એની કાળી છે કિકિયારી એના સિવાય એની આંખે લાગે બધું ય ઝાંખું,
અહમને વાતે વાતે વાંકું. વાતો મોટી, માથું મોટું સાફો સૌથી મોટો એ પોતાને દરિયો માને
હોય ભલે પરપોટો એની જીભમાં કાનસ, કરવત : ધાર કરેલાં ચાકુ
અહમને વાતે વાતે વાંકું. વાસનાનું શરીર જો એટલું મોટું હોય છે કે આખી દુનિયાના કપડાંથી ય એ ઢંકાતું નથી તો અહંનું મન એટલું સાંકડું હોય છે કે પોતાનાથી ય કોક મોટું હોઈ શકે છે એ માનવા ય એ તૈયાર હોતું નથી...વાસના જો દુપુર છે તો અહં દુશ્મન છે. વાસનાને આધીન બનેલો આત્માજિંદગીભર જો અતૃપ્ત જ રહે છે તો અહંનો શિકાર બનેલો આત્મા જિંદગીભર અધૂરો અને અજ્ઞાની જ રહે છે.
જે દેડકો કૂવામાં જ જન્મે છે, કૂવામાં જ જીવન વીતાવે છે અને કૂવામાં જ જીવન સમાપ્ત કરે છે એ દેડકો દરિયાના અસ્તિત્વને નકારતો જ રહે એમાં નવાઈ શી છે? પોતાનું મન જેણે બંધ જ કરી દીધું છે, પોતાની માન્યતાને જ જેણે સત્યનું લેબલ લગાડી દીધું છે, પોતાની પાસે રહેલ શક્તિઓને જ જેણે અંતિમ માની લીધી છે એ અહંકારી વ્યક્તિ વિરાટના અસ્તિત્વને, વિરાટ શક્તિઓને અને અસીમ સત્યોને નકારતો જ રહેતો હોય તો એમાં કોઈ જ નવાઈ નથી.
તપાસી લેજો મનને.
કોની સાથે એની દોસ્તી છે ? પોતાના કરતાં જેઓ પાછળ છે તેઓની સાથે કે પોતાના કરતાં જેઓ આગળ છે તેઓની સાથે ? જો, નબળાં સાથે જ એની દોસ્તી છે તો નિશ્ચિત સમજી રાખજો કે એના ઉજ્જવળ ભાવિની સંભાવનાઓ પર પૂર્ણવિરામ મુકાઈ જ ગયું છે. કારણ કે ગરીબની દોસ્તીએ કોઈ લખપતિને કરોડપતિ જો નથી જ બનાવ્યો તો નબળાં સાથેની જ મનની દોસ્તી એને વધુ બળવાન નથી જ બનાવવાની.
ઊંટ હિમાલય પાસે જતાં ડરે છે. દેડકો કૂવામાંથી બહાર નીકળવા જ તૈયાર નથી. અહંકારી વિરાટના અસ્તિત્વને સ્વીકારવા તૈયાર નથી. કરુણતા જ છે ને?