________________
જ્યાં તણાઈ જાય હાથી, ત્યાં ભાવ કોણ પૂછે બકરીનો ?
કોક અજ્ઞાત કવિની આ પંક્તિઓ: જિંદગી આખ્ખી કર્યા કર, તું બે હાથે સરવાળો ને પળમાં ફરી વળે, હજ્જાર હાથવાળો ! કૂડકપટ ને ઘાલમેલ, કેટકેટલાંને છેતરીશ ? તને ય માથાનો મળશે, એક છેતરવાવાળો ! અહીંનો હિસાબ બાપુ, અહીં જ પતાવવો પડશે આ કાટમાળમાં બતાવ, છે કોઈ મરદ મુછાળો ? પ્રેમ, લાગણી ને માણસાઈની વાતો, છો તેં હસી કાઢી તારા એકાંત પર હૅશ, તું જ રોવાવાળો ! સુપ્રીમ સુધી સમજ્યા, તું પહોંચી વળીશ, એની પણ ઉપર બેસે છે, ઉપલી કોરટવાળો ! સાચા દિલથી શોધજે, અંદરના ખૂણાંખાંચરાં, ગણિતની આખી ચોપડીનો, ક્યાંક મળી જાય તાળો.
ભૂકંપ થયો. મજબૂત ગણાતું ૧૦માળનું મકાન તૂટી ગયું. એ મકાનની બાજુમાં એક ગરીબ માણસનું ઈટ-ચૂનાનું મકાન હતું. એ તૂટી જ ગયું હોય એ માની લેવામાં કોઈ જ તકલીફ પડે તેમ નહોતી.
ગૅરબજારમાં ઇન્ડેક્સ તૂટ્યો કરોડપતિઓ રસ્તા પર આવી ગયા. નાના નાના વેપારીઓ બરબાદ થઈ ચૂક્યા જ હોય એ સમજવા માટે મનને કાંઈ જ સમજાવવું પડે તેમ નહોતું.
જબરદસ્ત વાવાઝોડું ફૂંકાયું. જમીન પર સો વરસથી અડીખમ ઊભેલું તોતિંગ એવું વટવૃક્ષ જમીનદોસ્ત થઈ ગયું. એની બાજુમાં જ રહેલ લીમડાનું ઝાડ તૂટી જ ગયું હોવા અંગે મનમાં કોઈ જ શંકા રાખવાની જરૂર નહોતી.
પણ સબૂર ! આ તમામ હોનારતોમાં ચમત્કાર થઈ જાય એવી શક્યતા પર પૂર્ણવિરામ
મૂકી દેવાનું દુસ્સાહસ કોઈ પણ કરી શકે તેમ નથી. બળવાન તૂટી જાય અને નબળો બચી જાય, મજબૂત મરી જાય અને કમજોર જીવી જાય, તાકાતવાન નાહી નાખે અને બળનો બુટ્ટો તરી જાય એવું બની શકે છે.
પરંતુ
એક હોનારત એવી છે કે જે હોનારતમાંથી કોઈ જ ઊગરી શકતું નથી અને એ હોનારત છે કર્મસત્તાના ધરની. જેના પર એ ત્રાટકી- ભલે પછી એ તીર્થકર ભગવંતનો આત્મા હોય કે પ્રભાવક આચાર્ય ભગવંતનો આત્મા હોય, ભલે એ પખંડનો માલિક ચક્રવર્તી હોય કે કોકિલ કંઠનો માલિક જગપ્રસિદ્ધ ગાયક હોય, ભલે એ રૂપક્ષેત્રે કામદેવનું પ્રતિનિધિત્વ ધરાવતો હોય કે ધનક્ષેત્રે કુબેરનું પ્રતિનિધિત્વ ધરાવતો હોય - એની રેવડી દાણાદાણ કરી નાખ્યા વિના એ રહેતી જ નથી..
અલબત્ત, કર્મસત્તાના ઘરની હોનારતની સૌથી મોટી વિશેષતા એ છે કે એ હોનારતનું સર્જન વ્યક્તિનું પોતાનું જ હોય છે. એ હોનારતને પોતાના પર ત્રાટકવાની આમંત્રણ પત્રિકા વ્યક્તિએ પોતે જ લખી હોય છે. એ હોનારતને જન્મ આપીને જીવાડવાનું કામ વ્યક્તિએ પોતે જ કર્યું હોય છે.
આનો અર્થ ?
આ જ કે વ્યક્તિ પોતે જો આ હોનારતનું સર્જન કરવાની ઇચ્છા નથી જ રાખતી તો કર્મસત્તા એના પર ત્રાટકવાથી પોતાની જાતને દૂર જ રાખે છે. ભૂકંપ, વાવાઝોડું કે પૂર વ્યક્તિનું ખુદનું સર્જન ન પણ હોય પરંતુ કર્મબંધ એ તો વ્યક્તિની પોતાની જ ગફલતનું સર્જન છે.
બચવું છે કર્મસત્તાના આપણાં પરના હુમલાઓથી ? એક જ કામ આપણે કરવા જેવું છે. ન નબળો વિચાર, ન નબળો ઉચ્ચાર કે ન નબળો વર્તાવ. બૅટ્સમૅન ભૂલ નથી જ કરતો તો અમ્પાયર પણ આંગળી ઊંચી નથી જ કરતો ને?