________________
જબાન હાર્યો તે ભવ હાર્યો
થોડું ય સમજ્યા હોત તો સુખેથી જિવાત ! પણ રહ્યાં ખખડતાં આપણે, બસ, વાતે વાતે ! દોષના ટોપલાનું તો વજન વળી કેટલું ! ઊંચકીને નાખતાં રહ્યાં, એક-મેકના માથે ! નાની અમથી વાતમાં, રણશિંગા ફૂંકાતાં, સવાર પડે ને હસતાં મોઢાં, રોજ બગડતાં રાતે ! બંધ કર્યા છે બારણાં, ક્યાં કોઈ જુએ છે? લોક માને કેવાં, સૂએ છે નિરાંતે ! ન’તી દેખાતી ભૂલો, તે બહુ મોટી દેખાય છે, આંખે બાઝયા છે ઘુવડ, તે ઊંડે વાતે વાતે ! એકમેકનો પતંગ કાપવામાં પડ્યા ઘસરકા હાથે બળી આ ઉત્તરાયણ ! ના આવે તો જીવાય તો નિરાંતે !
હા, દૂધમાં સાકર જ નખાય, સાકર ન હોય તો દૂધને એમ ને એમ રહેવા દેવાય પરંતુ લીંબુનાં ટીપાં નાખીને દૂધને ફાડી તો ન જ નખાય આ સમજ ધરાવતો માણસ, બોલવું હોય તો મધુર જ બોલાય, હિતકારી જ બોલાય, મિતકારી જ બોલાય, એવી ક્ષમતા અને હૃદયની ઉદાત્તવૃત્તિ ન હોય તો મૌન રહી જવાય પરંતુ શબ્દોને જેમ-તેમ ફેંકતા રહીને, વિવેકને ગેરહાજર રાખીને સંબંધોમાં કડવાશ પેદા ન જ કરાય આ સમજ ધરાવતો નથી એ આશ્ચર્ય તો લાગે જ છે પરંતુ માણસની એ બેવકૂફી પણ લાગે છે.
શબ્દોનો આવો આડેધડ થતો વપરાશ કેવું દુઃખદ પરિણામ લાવીને મૂકી દે છે એને લંગમાં જણાવતી કોક અજ્ઞાત લેખકની ઉક્ત પંક્તિઓ એટલું જ કહે છે કે સંબંધોના વિરાટ આસમાનમાં તમારી આત્મીયતાની પતંગને જો હેમખેમ રાખવા માગો છો તો એ પતંગનો દોર જે શબ્દોનો બન્યો હોય છે એ શબ્દોમાં કઠોરતાનો કાચ, કટુતાનો રંગ અને કર્મશતાનો લોટ ક્યારેય ભેળવશો નહીં. શું કહું?
સોય પાસે તલવાર કાર્ય જો આપણે નથી જ કરાવતા, પુલ બનાવવા મંગાવેલ પથ્થરોનો ઉપયોગ જો માણસ દીવાલ ઊભી કરી દેવામાં નથી જ કરતો, હાથમાં રહેલ કીમતી હીરાનો ઉપયોગ ડાહ્યો માણસ જો બારી પર બેસી ગયેલ કાગડાને ઉડાડવામાં નથી જ કરતો તો પ્રભુ સાથે પ્રીત જમાવી શકતા, સજ્જનોનાં હૈયામાં સ્થાન અપાવી શકતા, દુશમનને મિત્ર બનાવી શકતા અને જગતના જીવ માત્રની સમાધિમાં નિમિત્ત બની શકતા શબ્દોનો ઉપયોગ માણસ મિત્રોને દુશ્મન બનાવી દેવામાં, સજ્જનોના અને સ્વજનોના હૈયામાં કટુતા પેદા કરી દેવામાં અને જીવો વચ્ચે અપ્રિય બનાવી દેવામાં કેમ કરતો હશે એ સમજાતું નથી.
યાદ રાખજો,
આ જગત સંપત્તિને ભલે તાકાતપ્રદ માનતું પરંતુ સંપત્તિ કરતાં ય એક અપેક્ષાએ શબ્દો વધુ તાકાતવાન છે. કારણ કે સંપત્તિના સદુપયોગે માણસને જેટલા મિત્રોની ભેટ ધરી હશે એના કરતાં અનેકગણા મિત્રો તો માણસ શબ્દોના સદુપયોગથી ઊભા કરી શકે છે. એ જ રીતે સંપત્તિના બેફામ વપરાશ માણસે જેટલા દુશ્મનો ઊભા કર્યા હશે એના કરતાં અનેકગણા દુશ્મનો તો માણસ શબ્દોના દુરુપયોગથી ઊભા કરી શકે છે.
આવો, શબ્દોની આ પ્રચંડ તાકાતને આંખ સમક્ષ રાખીને આપણે શબ્દોના ડબ્બાઓ આગળ વિવેકના, સ્નેહના અને હિતના એન્જિનને ઊભું કરી જ દઈએ. એ એન્જિન હાજર ન કરી શકાય ત્યાં સુધી શબ્દોના ડબ્બાઓને એમ ને એમ ઊભા જ રહેવા દઈએ. સંખ્યાબંધ અનિષ્ટોથી ઊગરી જશું.