________________
જ્યાં મળી રોટી, ત્યાં ગયા આળોટી
કે” છે સમય તો આવે છે ને ચાલી જાય છે તો “ખરાબ સમય’ કેમ રોકાઈ જાય છે? મને જુએ છે ને ચારે પગ કૂદે છે, રામ જાણે મારી-એની શું સગાઈ થાય છે? નસીબ જ અમુકનાં એવાં બળિયાં હોય છે, ભેટે, તો ય માથે ભટકાઈ જાય છે. મહેનત કરે, નસીબ આડેથી પાંદડું ખસેડવા પાંદડું ખસી, ઝાડ રોપાઈ જાય છે.
જ્યારે એક સાંધો ત્યાં તેર તૂટે, અચ્છો અચ્છા હેબતાઈ જાય છે ! દોડીને આવનારાં, ક્યાં ગયાં સૌ ‘તારા?' માણસ, અવરજવર પરથી ઓળખાઈ જાય છે. થાય, અંધારું ઉલેચવા દીવડો પ્રગટાવું એક પછી એક દીવાસળી, ઓલવાઈ જાય છે ! હવે ચમત્કાર, તો માનું કે તું ઈશ્વર ! બાકી ખાલી ખોટો રોજ શાને પૂજાઈ જાય છે !
કો’ક અજ્ઞાત કવિની આ પંક્તિઓના તાત્પર્યાર્થમાં જઈએ તો એક વાત સ્પષ્ટ છે કે માણસ માટે આ જગતમાં સૌથી વધુ ખરાબ સમય કોઈ હોય તો એ છે “ભૂખની અનુભૂતિમાં ભોજનની અનુપસ્થિતિ માણસ યશના અભાવમાં જીવી જાય, સંપત્તિની અલ્પતામાં જીવી જાય, બંગલાની કે ગાડીની અનુપસ્થિતિમાં જીવન ટકાવી જાય, પત્નીના અભાવમાં મજેથી જીવન પસાર કરી જાય પણ ભોજનના અભાવમાં ? કદાચ બે-ચાર દિવસ કે પચીસ-ત્રીસ દિવસ ખેંચી જાય પણ એ પછી ય જો એને ભોજન ન મળે તો એનું ‘રામ બોલો ભાઈ રામ’ થઈને જ રહે.
આ કારણસર જ કહેવાયું છે ને કે ‘ભૂખ્યો માણસ કોઈ પણ પાપ કરી બેસે છે’
કારણ કે ભૂખ્યા માણસને જીવન ટકાવવું જ છે અને જીવન ભોજન વિના ટકાવી શકાય એવી કોઈ જ શક્યતા નથી. દરિદ્ર માણસ પૈસા માટે છેલ્લી હદની લાચારી નહીં દાખવે જો એની પાસે ભોજનની વ્યવસ્થા હશે તો ! બે-આબરૂ માણસ યશ માટે એટલી લાચારી નહીં દર્શાવે જો એની પાસે ભોજનનો પ્રબંધ હશે તો ! વાંઢો માણસ સ્ત્રી માટે એટલો નહીં કરગરે જો એની પાસે ક્ષુધાશમનની વ્યવસ્થા હશે તો !
પણ,
પેટનો ભૂખ્યો માણસ તો કઈ હદની લાચારી દાખવવા તૈયાર નહીં થઈ જાય એ પ્રશ્ન છે. ભોજન મળતું હશે તો એ કપડાં ઉતારવા ય તૈયાર થઈ જશે તો ગટરનું પાણી પીવા ય તૈયાર થઈ જશે. સમૂહ વચ્ચે એ શીર્ષાસન કરવા ય તૈયાર થઈ જશે તો પોતાની સગી મા-બહેન પરની ગાળો સાંભળવા ય તૈયાર થઈ જશે.
અરે,
ગુંડા પાસે ય એ ભોજન માટે કરગરવા તૈયાર થઈ જશે અને ભોજન મળતું હશે તો વેશ્યાગામીના પગે પડવા ય એ તૈયાર થઈ જશે. ખૂની પાસે હાથ જોડતાં ય એ શરમ નહીં અનુભવે તો આતંકવાદીને ત્યાં આંટા-ફેરા લગાવતાં ય એને ભય નહીં રહે. ટૂંકમાં; બધી જ લાચારી અને બધાય સમક્ષ લાચારી, આ માનસિકતા રહેશે ભોજનના અભાવમાં ભૂખ્યા માણસની.
આ વાસ્તવિકતાને આંખ સામે રાખીને બે કામ ખાસ કરજો . કોક ભૂખ્યો માણસ તમારે આંગણે આવીને ઊભો રહી જાય તો એની ભૂખ પર શંકા ઉઠાવતા રહીને એને ખાલી પેટે રવાના ન કરશો અને એવું કોઈ અશુભકર્મ બાંધી ન બેસશો કે જેના દુષ્યભાવે ભવાંતરમાં ભોજન માટે તમારે તમામ પ્રકારની લાચારીઓ તમામ પ્રકારની વ્યક્તિઓ સમક્ષ દાખવતા રહેવું પડે.