________________
ચંદને ધોઈ માછલી પણ
છૂટી નહીં ગંધ
પછી ય આપણે ત્યાંથી પાછા હટવા તૈયાર જ થતા નથી?
ચંદનની સુવાસમાં કોઈ જ શંકા નથી પણ પોત જ જો માછલીનું છે તો ? કુંભારની કુશળતામાં કોઈ જ શંકા નથી પણ પોત જ જો દરિયાઈ રેતીનું છે તો ? સૂર્યના પ્રકાશની તાકાતમાં તો કોઈ જ શંકા નથી પણ પોત જ જો અંધત્વનું છે તો ? પ્રભુનાં વચનોની પ્રચંડ તાકાતમાં તો કોઈ જ શંકા નથી પણ પોત જ જો નાલાયકતાનું
છે તો ?
કો’ક અજ્ઞાત કવિની આ પંક્તિઓ: ‘ફૂલો પ્લાસ્ટિકનાં, સુગંધ ક્યાંથી હોય? શિક્ષકો ટટ્યશનિયા, વિદ્યા ક્યાંથી હોય? પ્રોગ્રામ કેબલ્સના, સંસ્કાર ક્યાંથી હોય ? નેતા ખુરશીના, દેશદાઝ ક્યાંથી હોય? ભોજન ડાલડાનું, સ્વાદ ક્યાંથી હોય? અનાજ હાયબ્રીડનું, તાકાત ક્યાંથી હોય? કપડાં થયા ટૂંકા, લજ્જા ક્યાંથી હોય? ચહેરા થયા મેક-અપનાં, રૂપ ક્યાંથી હોય?
આ તમામ વાસ્તવિકતાઓ એક જ વાત કરે છે જો તમારું પોત જ જૂઠું છે, જો તમારી પાત્રતા જ ગાયબ છે, જો તમારી પ્રજ્ઞાપનીયતા જ ગેરહાજર છે, જો તમારું મન જ બંધિયાર છે, જો તમારી વૃત્તિ જ ગલત માન્યતાની શિકાર બની ચૂકી છે તો દુનિયાની કોઈ તાકાત તમને સુધારી શકે તેમ નથી. પ્રભુ વચનો તો તમારા માટે નિરર્થક છે જ પરંતુ સાક્ષાત્ પ્રભુ પણ તમને બચાવી લેવા કે ઉગારી લેવા લાચાર છે.
ખૂબ ગંભીરતાથી આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે આપણે. આવા અપાત્રમાં, અયોગ્યમાં, અપ્રજ્ઞાપનીયમાં આપણે સ્થાન તો નથી પામ્યા ને ? ક્રોધથી આપણું ચિત્ત એ હદે તો ગ્રસ્ત બન્યું નથી રહેતું ને કે પ્રભુનાં વચનોના શ્રવણ પછી ય, ગુરુદેવની સમજાવટ પછી ય, શિષ્ટ પુરુષોની સલાહ પછી ય, શરીર રોગગ્રસ્ત બની ગયા પછી ય, સંબંધોમાં કડવાશ વ્યાપી ગયા પછી ય, સર્વત્ર અપ્રિય બનતા રહ્યા
ચંદન ન મળે એ કરુણતા કરતાં ય ચંદન મળ્યા પછી ય માછલી જ બન્યા રહીએ એ કરુણતા વધુ છે. કુંભાર ન મળવાના દુર્ભાગ્ય કરતાં ય કુંભાર મળી ગયા પછી ય દરિયાઈ રેતી બન્યાં રહીએ એ દુર્ભાગ્ય વધુ ભયંકર છે, સૂર્યપ્રકાશની અનુપસ્થિતિની કરુણતા કરતાંય વધુ કરુણતા એ છે કે આપણે અંધનું જ પ્રતિનિધિત્વ ધરાવીએ છીએ. પ્રભુના વિરહનું કે પ્રભુ વચનોના અશ્રવણનું દુઃખ એટલું જાલિમ નથી, જેટલું જાલિમ એ મળ્યા પછી ય આપણે નાલાયક જ બન્યા રહીએ એ છે..
તાત્પર્યાર્થ આનો સ્પષ્ટ છે.
જીવન પરિવર્તનનું મુખ્ય ચાલકબળ પ્રાપ્તિ નથી પણ પાત્રતા છે. તમારી પાત્રતા જો જીવંત હશે તો પ્રાપ્તિ થતાંની સાથે જ પરિવર્તનનું સદ્ભાગ્ય તમે પામી જવાના છો. પણ જો પાત્રતા જ તમારી ગાયબ હશે તો પ્રાપ્તિની વણઝાર પછી ય તમે એવા ને એવા જ રહી જવાના છો.
આવો,
આપણે “ખાડો’ તૈયાર રાખીએ. શુભનો વરસાદ જ્યારે પણ પડશે, આપણને ભરાઈ જતાં પળની ય વાર નહીં લાગે. બાકી, જો ‘ટેકરો જ બન્યા રહેશું તો શુભના ધોધમાર વરસાદ પછી ય આપણે કોરાધાકોર જ રહેશું.
દડો હવે આપણા મેદાનમાં છે.