________________
માફ કર્યામાં મજા
એક અજ્ઞાત પુસ્તકમાં વાંચવામાં આવેલ આ પંક્તિઓ એકવાર શાંતિથી
વાંચી જઈએ.
સ્વવિકાસની પ્રક્રિયા ક્ષમાપના સાથે
ખૂબ ગાઢ સંબંધ ધરાવે છે.
આપણા દોષ માટે અન્યોની માફી માગવી અધરી છે.
અન્યોના દોષ માટે તેમને ક્ષમા આપવી
અત્યંત કઠિન છે;
પરંતુ અન્યોના દોષોને સહજતાથી વીસરી જવા
તે અત્યંત દુષ્કર અને દુર્લભ બાબત છે.
અન્યોને માફી આપવામાં
ખરેખર આપણો જ સ્વાર્થ રહેલો છે.
આપણે અન્યોને તેમના માટે ક્ષમા નથી આપવી.
આપણે આપણા જ હિતમાં
તેમને ક્ષમા અર્પવી જરૂરી રહે છે.
પગમાં ઘૂસી ગયેલ કાંટો જ્યારે હું કાઢી નાખું છું ત્યારે સ્વસ્થતાની અનુભૂતિ જો મને જ થાય છે, આંખમાં ઘૂસી ગયેલ કચરો જ્યારે હું દૂર કરું છું ત્યારે હળવાશની અનુભૂતિ જો મને જ થાય છે, પેટમાં થઈ ગયેલ ગાંઠને ઑપરેશન દ્વારા જ્યારે હું કઢાવી નાખું છું ત્યારે રાહતની લાગણી જો હું જ અનુભવું છું તો સામી વ્યક્તિને, એણે કરેલ ભૂલ બદલ કે એણે મારી સાથે કરેલ ગેરવ્યવહાર બદલ હું માફ કરી દઉં છું ત્યારે હકીકતમાં તો હું મારા જ મનની પ્રસન્નતાને અકબંધ કરી દઉં છું.
જવાબ આપો,
પગમાં ઘૂસી ગયેલ કાંટો, આંખમાં દાખલ થઈ ગયેલ કચરો કે પેટમાં થઈ ગયેલ ગાંઠ દૂર કરી દેવા આપણે જેટલા ઉતાવળા બની જઈએ છીએ, એટલા જ ઉતાવળા આપણે વ્યક્તિ પ્રત્યેના મનમાં ઊભા થઈ જતા દુર્ભાવને દૂર કરી દેવા ખરા
?
કદાચ આ પ્રશ્નનો જવાબ છે. ‘ના’. કારણ? એક જ. અહંકાર. સામી વ્યક્તિ પ્રત્યે તોછડાઈપૂર્ણ વ્યવહાર કરવામાં આપણને એમ લાગે છે કે ‘હું કંઈક છું.’ એ વ્યક્તિ પ્રત્યે ડંખ રાખીને જીવવામાં આપણને એમ લાગે છે કે “હું પણ કાંઈ કામ નથી.’ એ વ્યક્તિ પ્રત્યેના દુર્ભાવને અકબંધ રાખીને જીવવામાં તક મળતાં જ ખૂબ રસપૂર્વક એનાં અવર્ણવાદ આપણે કરી શકીએ છીએ અને લાગ આવે તો એના દ્વારા આપણને થયેલ નુકસાનનો આપણે બદલો ય લઈ શકીએ છીએ.
પણ સબૂર,
આ અભિગમ આપણને કદાચ ‘કૂતરા’ની કક્ષામાં મૂકી દે છે. કૂતરાને તમે લાકડી મારો, કૂતરો તમને કરડવા દોડશે. કૂતરાની સામે તમે દાંતિયા કરો, કૂતરો તમને ભસવા લાગશે. આપણને હેરાન કરનારને આપણે ય જો હેરાન કરવા જ માગીએ છીએ, એ હેરાનગતિને આપણે જો યાદ રાખવા જ માગીએ છીએ, એને માફ કરી દઈને હલકાંફૂલ બની જવા જો આપણે તૈયાર જ નથી તો માનવના ખોળિયે આપણે એક જાતના શ્વાન જ છીએ.
આવો,
પગમાં પહેરેલા બૂટ બધાયને ભલે આકર્ષક લાગતા હોય પણ આપણને જો એ ડંખી જ રહ્યા છે તો વહેલી તકે પગમાંથી એ બૂટને કાઢી નાખવામાં જ જો પગની સલામતી છે તો બદલો લેવાની પ્રવૃત્તિ, સજા કરવાની વૃત્તિ, સામાને પછાડી દેવાની ગણતરી અહંકારને ભલે ખૂબ પસંદ પડતી હોય પરંતુ મનની પ્રસન્નતાને ખંડિત કરી દઈને આત્માને જો એ દુર્ગતિમાં જ ઢસડી જનારી બની રહી છે તો અત્યારે ને અત્યારે જ એ વૃત્તિ-પ્રવૃત્તિથી આપણે જાતને દૂર કરી દેવાની જરૂર છે.