________________
અનુક્રમે સંઘપતિ શ્રી રત્નશ્રેષ્ઠી મોટા સંઘસાથે શ્રી ગિરનારપર યાત્રા કરવા આવ્યા. ઘણા હર્ષથી સ્નાત્ર કરવાથી લેપ્યમય (માટીની) પ્રતિમા ગળી ગઇ. તેથી રત્નશ્રેષ્ઠી ઘણો ખેદ પામ્યા. સાંઇઠ ઉપવાસ કરવાથી પ્રસન્ન થયેલી અંબાદેવીના વચનથી સુવર્ણમય બલાનકમાંની પેલી વજમય પ્રતિમા કાચા સૂતરથી વીંટીને લાવ્યો. દેરાસરના દ્વાર પાસે આવતાં પાછળ જોયું, તેથી તે પ્રતિમા ત્યાં જ સ્થિર થઇ. પછી દેરાસરનું દ્વાર ફેરવી નાંખ્યું. તે હજુ સુધી તેમ જ છે. કેટલાક એમ કહે છે કે – સુવર્ણમય બલાનકમાં બહોંત્તેર મોટી પ્રતિમાઓ હતી. તેમાં અઢાર સુવર્ણમય, અઢાર રત્નમયી, અઢાર રૂપામયી અને અઢાર પાષાણમયી હતી. આ રીતે શ્રી ગિરનાર ઉપરના શ્રી નેમિનાથ ભગવાનનો પ્રબંધ છે, અહીં છઠું દ્વાર સમાપ્ત થયું.
પ્રતિમાની અંજનશલાકા અને પ્રતિષ્ઠા ૭. તેમજ પ્રતિમાની પ્રતિષ્ઠા, અંજનશલાકા શીર્ઘ કરાવવી. ષોડશકમાં કહ્યું છે કે પૂર્વે કહેલી વિધિ પ્રમાણે બનાવેલી જિનપ્રતિમાની પ્રતિષ્ઠા તત્કાળ દશ દિવસની અંદર કરવી. પ્રતિષ્ઠા સંક્ષેપથી ત્રણ પ્રકારની છે. (૧) વ્યક્તિપ્રતિષ્ઠા (૨) ક્ષેત્રપ્રતિષ્ઠા અને (૩) મહાપ્રતિષ્ઠા. આગમજ્ઞો કહે છે કે – જે સમયમાં જે તીર્થકરનું શાસન ચાલતું હોય. તે સમયમાં તે તીર્થંકરની પ્રતિમાની સ્થાપના એ વ્યક્તિ પ્રતિષ્ઠા છે. ભરતાદિ તે-તે ક્ષેત્રના રુષભ આદિ બધા તીર્થકરોની પ્રતિષ્ઠા મધ્યમા - ક્ષેત્રપ્રતિષ્ઠા છે. અને એકસો સીત્તેર ભગવાનની મહાપ્રતિષ્ઠા કહેવાય છે. બૃહદ્ભાષ્યમાં પણ કહ્યું છે કે એક વ્યક્તિપ્રતિષ્ઠા, બીજી ક્ષેત્રપ્રતિષ્ઠા અને ત્રીજી મહાપ્રતિષ્ઠા. તે અનુક્રમે એક, ચોવીશ અને એકસો સિત્તેર ભગવાનની જાણવી. પ્રતિષ્ઠા સંબંધી બધી પ્રકારની સામગ્રી ભેગી કરવી, જુદા-જુદા સ્થાનના શ્રી સંઘોને તથા ગુરુ મહારાજને બોલાવવા. તેમનો પ્રવેશ વગેરે ઘણા ઉત્સવથી કરાવી સારી રીતે તેમનું સ્વાગત કરવું. ભોજન, વસ્ત્ર વગેરે આપી તેમનો બધી રીતે સત્કાર કરવો, કેદીઓને છોડાવવા, અમારિ પ્રવર્તાવવી, કોઇને અટકાવવામાં ન આવે એ રીતે ભોજનશાળા ચાલુ કરવી. સુથાર વગેરેનો સત્કાર કરવો. ઘણા ઠાઠથી સંગીત આદિ અઢાર સ્નાત્ર (અઢારઅભિષેક) વગેરે અદ્ભુત ઉત્સવ કરવો. પ્રતિષ્ઠાવિધિ પ્રતિષ્ઠાકલ્પ આદિ ગ્રંથોથી જાણવી.
પ્રતિષ્ઠામાં સ્નાત્રઅવસરે જન્માવસ્થા ચિંતવવી. તથા ફળ, નૈવેદ્ય, પુષ્પ, વિલેપન, સંગીતવગેરે ઉપચાર વખતે કુમારઆદિ ચઢતી અવસ્થા ચિંતવવી. અધિવાસનાવખતે વસ્ત્રથી પ્રતિમાને ઢાંકતી વખતે ભગવાનની જ્ઞાનાવરણથી ઢંકાયેલી છદ્મસ્થતાથી યુક્ત શુદ્ધ ચારિત્રઅવસ્થા ચિંતવવી. અંજનશલાકાથી નેત્રને અંજન કરી ઉઘાડવાની ક્રિયા વખતે ભગવાનની કેવળી અવસ્થા ચિંતવવી. તથા પૂજામાં બધા પ્રકારના મોટા ઉપચાર કરવાના અવસરે સમવસરણમાં રહેલા ભગવાનની અવસ્થા ચિંતવવી. એમ શ્રાદ્ધસમાચારીવૃત્તિમાં કહ્યું છે. પ્રતિષ્ઠા કર્યા પછી બાર મહિના સુધી મહિને મહિને (પ્રતિષ્ઠાની તિથિએ) ઉત્તમ પ્રકારે સ્નાત્ર વગેરે કરવું. વર્ષ પૂરું થાય, ત્યારે અઠ્ઠાઇ ઉત્સવ કરી વર્ષગાંઠ ઉજવવી. તથા ઉત્તરોત્તર વિશેષ પૂજા કરવી. વર્ષગાંઠના દિવસે સાધર્મિક વાત્સલ્ય તથા સંઘપૂજા વગેરે શક્તિ પ્રમાણે કરવું. પ્રતિષ્ઠા ષોડશકમાં એમ કહ્યું છે કે ભગવાનની અખંડપણે આઠ દિવસ સુધી પૂજા કરવી. તથા બધા જીવોને યથાશક્તિ દાન આપવું. આ રીતે સાતમું દ્વાર સમાપ્ત થયું.
શ્રાદ્ધવિધિ પ્રકરણ
૨૬૮