________________
જ દુષ્કર છે. માટે જ સમ્યકુ આલોચનાની ગણતરી પણ અત્યંતર તપમાં કરી છે. તેથી જ તે માસખમણ વગેરેથી પણ દુષ્કર છે. એ વાત લક્ષ્મણા સાધ્વી વગેરેના દૃષ્ટાંત સાંભળવાથી સ્પષ્ટ થાય છે.
લક્ષ્મણા આર્યાનું દષ્ટાંત આ ચોવીશીથી અતીતકાળની એંશીમી ચોવીશીમાં ઘણા પુત્રોવાળા એક રાજાને સેંકડો માનતાથી એક પુત્રી થઇ. તેથી તે બધાને પ્રિય થઇ. આ રાજપુત્રી દુર્ભાગ્યથી સ્વયંવર મંડપમાં જ પસંદ કરેલા પતિના મોતથી લગ્નની ચોરીમાં જ વિધવા થઇ. એ પછી સુંદર શીલવ્રતવાળી એ સતીઓમાં અગ્રેસર અને સુશ્રાવિકાઓમાં આગળ પડતી સુશ્રાવિકા થઇ. એક વાર તે ચોવીશીના અંતિમ તીર્થંકર પાસે દીક્ષા પામેલી તે લક્ષ્મણા આર્યા તરીકે પ્રસિદ્ધ થઇ. એક વાર ચકલા-ચકલીને ક્રીડામાં રત જોઇ એ સાધ્વીના મનમાં કુવિકલ્પ આવ્યો કે - અરિહંતે આની અનુજ્ઞા કેમ આપી નહીં ? અથવા અરિહંતોને વેદોદય (ભોગ માટેની ઇચ્છા) જ રહ્યો ન હોવાથી વેદોદયવાળાની પીડાને જાણતા નથી. જોકે બીજી જ ક્ષણે પશ્ચાતાપ થયો. ‘હવે આ કરેલા કુવિકલ્પની આલોચના કેવી રીતે કરવી?” એ સાધ્વીને આ અંગે ખૂબ શરમ ઉપજી. પણ પછી ‘પાપ-શલ્ય રહી જાય, તો સર્વથા શુદ્ધિ થતી નથી” એમ વિચારી પોતાની જાતને આલોચનામાટે પ્રોત્સાહિત કરી આલોચના લેવા જાય છે, ત્યાં જ ઓચિંતો કાંટો વાગ્યો. આ અપશુકનથી ક્ષોભ પામેલી લક્ષ્મણાએ ‘જે આવું ખોટું ચિંતવે, તેને શું પ્રાયશ્ચિત્ત?” એમ બીજા અપરાધીના નામે પૂછી આલોચના કરી. પણ શરમથી અને મોટાઇ જવાના ડરથી પોતાના નામે આલોચના કરી નહીં.
પછી તે દોષના પ્રાયશ્ચિત્ત તરીકે તેણે પચાસ વર્ષ સુધી ઉગ્ર તપસ્યા કરી. કહ્યું છે કે પારણે નીવી (વિગઇ રહિત ભોજન) સાથે છઠ્ઠ, અટ્ટમ, દશમ (ચાર ઉપવાસ) અને દુવાલસ (પાંચ ઉપવાસ) એ તપસ્યા દસ વર્ષ કરી. તથા બે વર્ષ ઉપવાસ કર્યા, બે વર્ષ (નવી) ભોજન કરી પછી સોળ વર્ષ માસક્ષમણના પારણે માસક્ષમણ કર્યા ને છેલ્લે વીસ વર્ષ સળંગ આંબેલ કર્યા. આ રીતે લક્ષ્મણા સાધ્વીએ પચાસ વર્ષ સુધી તપસ્યા કરી. આ તપસ્યા કરતાં તે સાધ્વીએ મનમાં જરા પણ દીનતા લાવ્યા વિના પ્રતિક્રમણ વગેરે બધી આવશ્યક ક્રિયાઓ કરી. આ રીતે દુષ્કર તપસ્યા કરી. તો પણ લક્ષ્મણા સાધ્વી શુદ્ધ થઇ નહીં. અંતે આર્તધ્યાનમાં મરી અસંખ્યાત ભવોમાં દાસી વગેરેના ઘણાં આકરા દુ:ખ ભોગવી અંતે શ્રી પદ્મનાભ તીર્થકરના (આવતી ચોવીસીના પ્રથમ તીર્થકર) તીર્થમાં તે સિદ્ધિ પામશે. કહ્યું છે કે – શલ્યવાળો જીવ ગમે તો દિવ્ય હજાર વર્ષ સુધી ઘણી ઉગ્ર તપસ્યા કરે તો પણ શલ્ય હોવાથી તેની તે તપસ્યા તદ્દન નિષ્ફળ જાય છે. જેમ ઘણો કુશળ વૈદ્ય પણ પોતાનો રોગ બીજા વૈદ્યને કહે છે, તેમ જ્ઞાની પુરુષના પણ શલ્યનો ઉદ્ધાર બીજા જ્ઞાની પાસે જ થાય.
(આલોચના કરવાના છ લાભ આગળ બતાવ્યા. હવે બીજા બતાવે છે.)
૭. તેમજ આલોચના કરવાથી તીર્થકરોની આજ્ઞાની આરાધના થાય છે. ૮. નિઃશલ્ય બને છે, તે સ્પષ્ટ જ છે. ઉત્તરાધ્યયનસુત્રના ઓગણત્રીશમાં અધ્યયનમાં કહ્યું છે કે - હે ભગવંત ! જીવ આલોચના કરવા દ્વારા શું ઉત્પન્ન કરે છે ? (જવાબ) હે ગૌતમ! ઋજુભાવને પામેલા એ જીવ અનંત સંસાર વધારનારા માયાશલ્ય, નિયાણશલ્ય અને મિથ્યાદર્શન શલ્ય એ ત્રણ પ્રકારના શલ્યથી રહિત થાય છે. ઋજુભાવને ઉત્પન્ન કરે છે. અને ઋજુભાવને પામેલો એ માયામુક્ત થવાથી સ્ત્રીવેદ તથા શ્રાદ્ધવિધિ પ્રકરણ
૨૪૯