________________
કેટલાક શસ્ત્રધારી ક્ષત્રિયો બાંધીને લઇ ઉપાડી ગયા. એમના પુત્રોએ પિતાને છોડાવવા ચોર્યાશી હજાર ખોટા ટંક મોકલ્યા. ત્યારે તે ક્ષત્રિયોએ એ ટંક સાચા છે કે ખોટા એનો નિર્ણય ક૨વા ભીમ સોનીને જ બતાવ્યા. ત્યારે પોતાનાપર મરણની આપત્તિ વધશે એવો ભય રાખ્યા વિના સોનીએ સાચી વાત કરી કે આ ટંક ખોટા છે. તેથી તેઓએ એમની સત્યવાદિતાથી પ્રસન્ન થઇને એમને છોડી મુક્યો. એક સાચો મિત્ર જરુરી
એ જ રીતે આપત્તિમાં સહાયક બને એવો એક મિત્ર કરવો. આ મિત્ર ૧) સમાન ધર્મ હોવો જોઇએ. ૨) સમાન ધનવાળો હોવો જોઇએ. ૩) સમાન પ્રતિષ્ઠાવાળો હોવો જોઇએ. ૪) સારી બુદ્ધિવાળો હોવો જોઇએ. અને ૫) લોભી ન હોવો જોઇએ. આવા આવા ગુણવાળો હોવો જરૂરી છે. રઘુવંશ કાવ્યમાં કહ્યું છે - હીન અને અનુપકારી મિત્રો વૃદ્ધિ પામતા વિકૃત બની જાય છે. તેથી રાજાએ મધ્યમ શક્તિવાળા મિત્રો કર્યા. બીજે પણ કહ્યું છે - માણસોને આપત્તિ આવે ત્યારે એના પ્રતિકાર માટે જ્યાં સારો મિત્ર પડખે ઊભો રહે છે, ત્યાં ભાઇ, પિતા કે બીજો કોઇ માણસ ઊભો રહેતો નથી. અલબત્ત - હે લક્ષ્મણ ! મને ઈશ્વર (રાજા અથવા મોટા શ્રીમંત) સાથે પ્રીતિ = મૈત્રી કરવી ગમતી નથી. કેમકે એના ઘરે જઇએ તો આપણું ગૌરવ સચવાતું નથી. એ આપણા ઘરે આવે, તો (એને સાચવવા) આપણને મોટો ખર્ચ કરવો પડે છે. આવી યોગ્ય ઉક્તિ હોવા છતાં જો કોઇ રીતે મોટા સાથે પ્રીતિ = મૈત્રી થઇ હોય, તો દુષ્કર કાર્યો પણ સિદ્ધ થવા વગેરે ઘણા ગુણો રહ્યા છે. કહ્યું જ છે - કાં તો પોતે જ સમર્થ થવું, કાં તો કોક સમર્થને આપણા હાથમાં રાખવો. કાર્ય સિદ્ધ કરવા આ સિવાય બીજો કોઇ માર્ગ નથી.
નાનો માણસ પણ સાચો મિત્ર થાય, તો મોટાને પણ અવસરે કામ આવે છે. પંચાખ્યાનમાં પણ કહ્યું જ છે - બળવાન કે નિર્બળ પણ મિત્રો કરવા. વનમાં હાથીનું યુથ(= ટોળું) બંધાયું. તે ઉંદરોએ છોડાવ્યું. કેટલીક વખત નાના માણસથી થઇ શકનાર કામો મોટાઓ ઘણા ભેગા થાય, તો પણ થઇ શકતા નથી. સોઇનું કાર્ય સોઇ જ કરી શકે, ત્યાં તલવાર વગેરે કામ નહીં આવે. ઘાસનું કાર્ય ઘાસ જ કરી શકે, મોટા હાથીઓ નહીં કરી શકે. તેથી જ અમે (ગ્રંથકારે) કહ્યું છે- ૧) ઘાસ ૨) કણ (ધાન્ય) ૩) લવણ - મીઠું ૪) અનલ-અગ્નિ ૫) કાજલ (૬) છાણ (૭) માટી (૮) પથ્થર (૯) ભસ્મ (૧૦) લોખંડ (૧૧) સોઇ (૧૨) ઔષધિ ચૂર્ણ અને (૧૩) કુંચી - ચાવી આટલાના કાર્યો અનન્યસમ છે. (પોતે જ કરી શકે, એના સ્થાને બીજા નહીં કરી શકે)
બાકી મોઢેથી મીઠી વાત કરવી વગેરે દાક્ષિણ્ય તો દુર્જન વગેરે સાથે પણ છોડવું નહીં. (દુર્જનો વગેરે સાથે પણ બોલીને કે બીજી રીતે બગાડવું નહીં) કહ્યું જ છે. - સદ્ભાવથી મિત્રને, સન્માનથી બંધુ (સ્વજન) વર્ગને, પ્રેમથી સ્ત્રીને, દાનથી નોકરને, અને દાક્ષિણ્યથી બીજા માણસોને વશ કરવા. ક્યારેક તો પોતાનું કાર્ય સિદ્ધ ક૨વા દુષ્ટોને પણ આગળ કરવા પડે. અમે (ગ્રંથકારે) કહ્યું જ છે - ક્યાંક દુષ્ટોને પણ આગળ કરી ડાહ્યા માણસે પોતાનું કાર્ય સાધવું જોઇએ. જેમકે ૨સ માણવા જીભ ક્લેશ- રસિક દાંતોને આગળ કરે છે. (દાંત જીભને કચડે છે. છતાં સ્વાદ માણવા જીભ આહાર દાંતો તરફ ધકેલે છે.) પ્રાયઃ કાંટાઓના સમુદાય વિના ચાલતું જ નથી. ખેતર, ગામ, ઘર, બગીચો વગેરેની રક્ષા તેઓથી (કાંટાઓની વાડથી) જ થાય છે.
શ્રાદ્ધવિધિ પ્રકરણ
૧૩૭